કોરોના કહેર વચ્ચે અંબાજી સહીત ગુજરાતના તમામ પર્યટન સ્થળો બંધ

શેર કરવા અહીં ક્લિક કરો.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે ગુજરાત સરકાર સક્રીય બની છે. કોરોના વાયરસને લઈ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોરોના વાયરસને લઈ ગુજરાતના પર્યટન સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, ગુજરાતના પર્યટન સ્થળોમાં અમદાવાદમાં કાંકરિયા મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય જૂનાગઢમાં સક્કરબાગ, ઉપરકોટ, મ્યુઝિયમ, ટાઉનહોલ બંધ, રાજકોટનું પ્રદ્યુમન પાર્ક ઝૂ બંધ રાખવા મ્યુ. કમિશનરે નિર્ણય લેવાયો છે. આ સિવાય રાજ્યમાં જાણીતા એવા દેવળીયા પાર્ક, ધારી અને સાસણ પણ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.કોરોના વાયરસને લઈને ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ ૩ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે અંબાજી મંદિરના ૭, ૮ અને ૯ નંબરના ગેટ યાત્રિકો માટે બંધ થતા હવે દર્શનાર્થીઓ શક્તિદ્ગારથી જ પ્રવેશ કરી શકશે. દર્શનાર્થીઓએ પણ હાથ ધોઈને મંદિરમાં પ્રવેશ કર્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે કોરોના વાઇરસની અસર જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી અંબાજી મંદિર ના ૭,૮ અને ૯ નંબર યાત્રિકો માટે બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે માઈ ભક્તો માટે શક્તિ દ્વારથી પ્રવેશ અપાયો છે. જીઆઇએસના ગાર્ડ સહિત મોઢા પર માસ્ક પહેરીને ફરજ બજાવતા જોવા મળ્યા હતા. માઈ ભક્તો અંબાજી મંદિર ખાતે માત્ર એક ગેટથી જ પ્રવેશ કરી શકશે અને તે પણ અહી હાથ ધોઈને પ્રવેશ કરતા જોવા મળ્યા હતા.વિશ્વના સૌથી ઉંચા એવા સરદાર પટેલની ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલું રહેશે, પણ નર્મદામાં જંગલ સફારી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આગામી ૨૯ માર્ચ સુધી કોરોના વાયરસને લઈ ગુજરાતના પર્યટન સ્થળો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. બીજી બાજુ કોરોના વાયરસ સામે લડવા માટેની રણનીતિ બનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ ઉચ્ચસ્તરીય બેઠકો બોલાવીને બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં મુખ્ય સચિવ અનિલ મૂકિમે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્યમાં ૧૬ માર્ચથી ૨૯ માર્ચ સુધી તમામ શાળા, કોલેજો, આંગણવાળી, સિનેમાગૃહ અને સ્વીમિંગ પુલ બંધ રહેશે. જોકે, દરમિયાન બોર્ડની પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

શેર કરવા અહીં ક્લિક કરો.