ગરવીતાકાત,અમદાવાદ: શહેરના એક બિલ્ડરને ઇન્કમટેક્સ વિભાગની રેડ પડવાની છે તેમાંથી બચવું હોય તો પૈસા આપવા પડશે તેમ કહી ફોન કરી ધમકી આપવામાં આવતા તેમણે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. ક્રાઇમબ્રાંચે ફોન નંબરના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, ઉસ્માનપુરામાં રહેતા દેવાંશ શાહ તેમના મોટાભાઇ રોનિલભાઇ સાથે મળીને ડિવાઇન ઇન્ડસ્ટ્રીઝ તથા ડિવાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીમાં પેવર બ્લોક તથા કન્સ્ટ્રક્શનને લગતું કામ કરે છે. આ કંંપનીની સાથે સાથે બીજી ભગીની કંપનીઓ પણ જોડાયેલી છે.

ગત તા.16મી ઓગસ્ટના રોજ તેમના મોટાભાઇ પરિવાર સાથે સિક્કીમ ફરવા ગયા હતા. ત્યારે રોનિલભાઇએ તેમના ભાઇ દેવાંશભાઇને ફોન કર્યો હતો અને જણાવ્યું કે બે અલગ અલગ નંબર પરથી રોનિલભાઇને ફોન આવ્યા હતા અને ફોન કરનારે કહ્યું કે તમારા ત્યાં આઇટીની રેડ પડવાની છે અને જો તેમાંથી તમારે બચવું હોય તો હું બચાવી શકું તેમ છું. મારે ઉપર સુધીની પહોંચ છે અને બચવા માટે આડકતરી રીતે પૈસા માંગ્યા હતા. આવા દિવસમાં ત્રણેક વાર ફોન આવતા રોનિલભાઇ ચિંતામાં આવી ગયા હતા.

દેવાંશભાઇએ રોનિલભાઇને કહ્યું કે તો લોકો ચોખ્ખું કામ કરે છે જેથી ગભરાવવાની કોઇ જરૂર નથી. આવા ધમકીભર્યા ફોનના પગલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે.

Contribute Your Support by Sharing this News: