ગરવીતાકાત અમદાવાદ: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા દારુ અને જુગારના અડ્ડાઓ પર દરોડાની કાર્યવાહી માટે આદેશ આપ્યો છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બગોદરા નજીકથી ટ્રકમાં ભરેલ 39 લાખ 43 હજાર 200 રૂપિયાનો દારુ ગત રાત્રે ઝડપી લેવામાં આવ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે ગત રાત્રે સરખેજ રાજકોટ હાઇવે પર બગોદરા નજીક રોયકા પાટીયા નજીક રાજકોટ તરફ જતા હાઇવે રોડ પર અશોક રેસ્ટોરન્ટ એન્ડ કાઠિયાવાડી લોજ નામની હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ પંજાબ પાસિંગની ટ્રક (PB 12 Y 5271) ની તપાસ કરી હતી. જેમાં ચોખાની કણકીના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ 831 પેટી (કુલ નંગ 9072) જેની કિંમત રૂ. 39,43,200 થાય છે તે ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે ટ્રકની કિંમત 15 લાખ સહિત કુલ 56 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઘટનાસ્થળેથી ટ્રકના ડ્રાયવર સંજય કરણસિંહ જાટ (ઉં.વ. 36. રહે. બામલા ગામ. તા. જી. ભીવાની, હરિયાણા) તથા ક્લીનર જયકુમાર બલજીતસિંગ જાટ (ઉં.વ. 34 રહે. બામલા ગામ. તા. જી. ભીવાની, હરિયાણા)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ટ્રકના માલિક નવદિપસિંગ તેજાસિંગ (રહે. ફુલપુર ગ્રેવાલ. જી રૂપનગર) અને વિદેશી દારુનો જથ્થોભરી આપનાર સતિન્દ્ર નામના શખ્સ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65 (એ) (ઇ), 116 (બી), 98 (2), 81, 83 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બીજા સાથે સમાચાર શેર કરો.