ઉબડ ખાબડ રસ્તાઓથી વાહન ચાલકોને હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે 

ગરવીતાકાત,બનાસકાંઠા: પાલનપુર તાલુકાના માલણ ગામે ૬ માસ અગાઉ ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં કેટલાક રસ્તાઓ તોડી દેવામાં આવ્યા હતા. આ કામગીરી બાદ હજુ સુધી રસ્તાઓનું સમારકામ ન થતાં આ રસ્તા પરથી રાહદારીઓને પસાર થવામાં પણ ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે અને વાહન ચાલકોએ આ માર્ગો પરથી પસાર થવામાં સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી તેમજ રસ્તાઓ સહિતના વિકાસ કામોમાં વ્યાપક ગેરરીતિને પરિણામે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે મિલીભગતથી ગ્રામજનોને આપવા માટે સરકારે ફાળવેલી સુખાકારીની સગવડો માટેની ગ્રાન્ટો બારોબાર સગે વગે થઈ જતી હોવાની પણ ચર્ચા વચ્ચે પાલનપુર તાલુકાના માલણ ગામે પણ કેટલાક વિકાસ કામો મામલે તપાસ હાથ ધરાય તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.
આશરે ક્ષમાં અગાઉ માલણ ગામે ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ તોડી દેવામાં આવ્યા હતા.જેમાં રોહિતવાસ પાસે આવેલ બે માર્ગો પર ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન તોડી નાંખવામાં આવ્યા છે. થોડા સમય અગાઉ જ બનાવેલા આ માર્ગો ભૂગર્ભ ગટરની કામગીરી માટે તોડી પડાયા અને ત્યાર બાદ હજુ સુધી સમારકામ પણ કરવામાં આવેલ ન હોય આ વિસ્તારના લોકોને અહીં ચાલવામાં તેમજ નજીકમાં આવેલ મંદિરમાં દર્શનાર્થે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તે ઉપરાંત મંદીર પાસે જે રસ્તો તોડવામાં આવે છે તેની ઉપરના ભાગે આવેલા મકાનો પણ ભારે વરસાદ સમયે ધોવાણના કારણે તૂટી પડે તેવી પરિસ્થિતિ છે. રોહિત વાસમાં બનાવવામાં આવેલ આર.સી.સી રોડ પણ ચાર વર્ષ અગાઉ ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન તોડી દેવામાં આવ્યો હતો.
જે પણ હજુ સુધી રિપેરિંગને થતાં મહોલ્લામાં અવર જવર માટે પણ ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઈ માલણ ગ્રામ પંચાયત દ્વારા આ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે. આ અંગે માલણ ગામના સરપંચ જે.ડી.પરમારનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમના મોબાઇલ ફોનથી જાણવા મળેલ કે તેઓ હાલમાં બીમાર હોવાથી રજા પર છે.
ડેપ્યુટી સરપંચ શું કહે છે: આ અંગે માલણ ગામના ડેપ્યુટી સરપંચ દિનેશભાઈએ જણાવ્યું હતું કે તૂટેલા રસ્તાઓના સમારકામ માટેની કામગીરી ચાલુ વર્ષમાં જ હાથ ધરવામાં આવનાર છે.
તાલુકા ડેલીગેટ શુ કહે છે: આ અંગે માલણ તાલુકા પંચાયત સીટના ડેલિગેટ સંજય પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ગામના દરેક પ્રશ્નો માટે તેઓ ઉત્સાહિત છે. આ બાબતે તેઓએ રજૂઆત કરેલી છે ટૂંક જ સમયમાં આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.