ડુંગળી બાદ બટાકાનાં ભાવમાં પણ ઉછાળો આવ્યો, કિલોનો ભાવ 35 રૂ. થયો

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,તારીખ:૧૭ 

ડુંગળી બાદ હવે બટાકાનાં ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 15 રૂપિયો કિલો મળતા બટાકા હાલ 30થી 35 રૂપિયે કિલો મળી રહ્યાં છે. આ સાથે દાળમાં પણ થોડા દિવસો પહેલા જ 30 રૂપિયાનો ભાવ વધ્યો હતો. જેના કારણે હવે ઘરનાં બજેટ શું લાવવું અને શું ન લાવવું તે મહત્વનો પ્રશ્ન થઇ ગયો છે.

એક વેપારીએ જણાવ્યું કે, ‘વધારે વરસાદ પડવાને કારણે બટાકાનાં પાકને નુકસાન થયું છે. અને બીજી તરફ પંજાબમાંથી આવતા બટાકાની પણ આવક ઘટી છે. જેના કારણે બટાકાનાં ભાવમાં ઉછાળો આવ્યો છે. હજી નવા બટાકા પણ આવ્યાં નથી. બટાકાનો હૉલસેલ ભાવ જ 28થી 30નો થઇ ગયો છે. ગ્રાહકો પણ એવું જ કહે છે કે આટલા મોંઘા બટાકા ખાવાનાં અમને પોષાતા નથી એટલે લીલા શાકભાજી લે છે અને બટાકા, ડુંગળી લેવાનું હાલ ટાળી રહ્યાં છે.’

અન્ય એક વેપારીએ જણાવ્યું કે, ‘પહેલા જે ગ્રાહકો પાંચ પાંચ કિલો બટાકા લઇ જતા હતાં તે હવે એક બે કિલો લઇને સંતોષ માને છે. બટાકા લેવાનું લોકો ટાળી રહ્યાં છે. ત્યારે હવે આ ભાવ બટાકાની નવી આવક થશે પછી જ ઘટે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત અન્ય શાકભાજીની વાત કરીએ તો ડુંગળીનાં ભાવ 100 રૂપિયે પહોંચ્યો છે. જ્યારે શાક જોડે મળતી કોથમીર પણ 120 રૂપિયે કિલો છે. લસણ 240 રૂપિયે કિલો અને મરચાંનાં ભાવ પણ 70 રૂપિયે પહોંચી ગયો છે.

ગમ્યું તો આગળ શેર કરો.