અંતિમ સંસ્કાર કરાવવા ગયેલા વહીવટી તંત્રના અધિકારીઓને સંક્રમણની દહેશત
વિવાદ સુલઝાવવા ગયેલા અધિકારીઓને ક્વોરન્ટાઈન કરાશે ?
પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું ગતરોજ મોત નિપજ્યું હતું. જેનો રિપોર્ટ પોઝેટિવ આવતા મૃતક યુવકના અંતિમ સંસ્કાર માટે દોડી ગયેલા વહીવટી તંત્રના અધિકારીઓને પણ સંક્રમણની દહેશત વચ્ચે ચકચાર મચી જવા પામી છે.
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મૂળ રાજસ્થાનના સાંચોરનો યુવક કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર લઇ રહ્યો હતો. જેનું ગત રોજ મોત થતા તેના મૃતદેહને સ્મશાન ખાતે અંતિમવિધિ માટે લઇ જવામાં આવ્યો હતો. જો કે, સ્મશાનના દરવાજાને તાળુ મારેલ હોઇ આ બાબતે જવાબદાર લોકોને જાણ કરવા છતાં કોરોનાના ફફડાટ વચ્ચે દરવાજાનું તાળું ખોલવામાં ના આવતા આરોગ્ય તેમજ પોલીસ કર્મીઓએ મૃતદેહ સાથે જ દરવાજાની બહાર બે કલાક સુધી રાહ જોવી પડી હતી. ઘટનાની જાણ થતા નાયબ મામલતદાર માધુભાઈ પ્રજાપતિ પણ દોડી આવ્યા હતા. જેઓએ ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી જવાબદારી લઇ મામલો થાળે પાડ્યો હતો. અંતે નાયબ મામલતદાર માધુભાઈ પ્રજાપતિએ મૃતકના બે સ્વજનો સાથે મળીને મૃતકના અંતિમ સંસ્કાર કર્યા હતા. જે સમયે પાલનપુર મામલતદાર, પ્રાંત અધિકારી એસ.ડી. ગિલ્વા સહીતના અધિકારીઓ, આરોગ્ય અને પોલીસની ટીમ હાજર રહી હતી. દરમિયાન, આજે આ મૃતક યુવકનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. યુવકના અંતિમ સંસ્કારની મડાગાંઠ ઉકેલવા ગયેલા વહીવટીતંત્રના અધિકારીઓને પણ હવે સંક્રમણનો ભય સતાવી રહ્યો છે. એમાંય વળી નાયબ મામલતદાર માધુભાઈ પ્રજાપતિએ તો અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો. ત્યારે નાયબ મામલતદાર માધુભાઈ પ્રજાપતિ સાથે ત્યાં પાલનપુર મામલતદાર, એસ.ડી.એમ.શિવરાજ ગિલવા સહીત નો આરોગ્ય અને પોલીસનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. ત્યારે મૃતકનો રિપોર્ટ પોઝેટિવ આવતા આ અધિકારી ઓને પણ કોરોના સંક્રમણની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે ઉપસ્થિત અધિકારીઓને પણ ક્વોરન્ટાઈન કરવાની નોબત આવી શકે છે. જોકે, આ લખાય છે ત્યાં સુધીમાં કોઈ અધિકારીઓને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ ન હોવાના અહેવાલ સાંપડ્યા છે.
બીજા સાથે સમાચાર શેર કરો.