3 જૂને આસામના જોરહાટથી AN-32એ ઉડાન ભરી હતી ઉડાન બાદ અરૂણચાલ પ્રદેશ પાસે ગુમ થઈ ગયું હતું વિમાનમાં 8 ક્રૂ મેમ્બર સહિત 13 લોકો સવાર હતા

નવી દિલ્હીઃ વાયુસેનાના ગુમ થયેલા AN-32ના કેટલાંક પાર્ટ્સ મળી આવ્યાં છે. સર્ચ ઓપરેશન દરમિયાન અરુણાચલ પ્રદેશના લિપોના ઉત્તર ભાગમાં વિમાનનો કાટમાળ મળ્યો છે. વિમાનના બાકીના પાર્ટ્સની તલાશ માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ વિમાન 3 જૂનનાં રોજ આસામના જોરહાટથી ઉડાન ભરી હતી અને જે બાદ ગુમ થઈ ગયું હતું. આ વિમાનમાં 8 ક્રૂ મેમ્બર સહિત 13 લોકો સવાર હતા.

ખરાબ હવામાન હોવા છતાં ભારતીય વાયુસેનાનું કેરિયર વિમાન AN-32ની તલાશ માટે અભિયાન ચાલી રહ્યું છે. ગત બુધવારે વાયુસેનાએ આ વિમાનની તલાશ માટે એસયૂ-30 જેટ ફાઈટર પ્લેન, સી 130જે, એમઆઈ 17 અને એએલએચ હેલીકોપ્ટરની મદદ લીધી હતી.

સર્ચ ઓપરેશન આસામના જોરહાટથી અરુણાચલ પ્રદેશના મેચુકા એડવાન્સ લિડિંગ ગ્રાઉન્ડ વચ્ચે કરવામાં આવી રહ્યું છે. ઈસરોના ઉપગ્રહણ- કાટરેસેટ અને આરઆઈસેટ પણ આ વિસ્તારની તસવીર લઈ ચૂક્યા છે. પૂર્વ વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ચીફ એર માર્શલ આર.ડી. માથુર તપાસ અને રેસ્ક્યુ ઓપરેશન જોઈ રહ્યા છે. તેમણે વાયુસેનાના ગુમ કર્મચારીઓના પરિવારજનો સાથે પણ વાતચીત કરી છે.

આ સિવાય સેના, ભારત-તિબેટ સીમા પોલીસ, અરુણાચલ પોલીસ અને સ્થાનીક સમુદાય પણ ગુમ થયેલ વિમાનને શોધી રહ્યા છે. 3 જૂનને સોમવારના રોજ વિમાને આસામના જોરહાટથી અરુણાચલના શી યોમી જિલ્લામાં આવેલા મેચુકા એડવાન્સ લિડિંગ ગ્રાઉન્ડ માટે ઉડાન ભરી હતી. વિમાનનો 1.30 વાગે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે સંપર્ક ટૂટી ગયો હતો.