તંત્ર દ્વારા ઉપદ્રવ ઓછો કરવા દવાનો છંટકાવ કરાયો

ગરવીતાકાત,પાલનપુર,વાવ: રાજસ્થાનના જેસલમેરના કેટલાક ગામોમાં તીડના આક્રમણ બાદ હવે વાવના રણકાંઠામાં તીડનું આક્રમણ થતાં ફફડાટ ફેલાયો છે. સરહદના લોદ્રાણી અને શમલી (અસારા) બે ગામોના રણમાં તીડના આક્રમણ બાદ નિયંત્રણ વિભાગ હરકતમાં આવી દવાનો છંટકાવ કરવા લાગ્યું છે.26 વર્ષ બાદ બનાસકાંઠામાં તીડનું આક્રમણ જોવા મળ્યું છે.
છેલ્લા કેટલાક દિવસથી ભારત પાકિસ્તાન સરહદ પરના ખારા રણના જેસલમેરથી બનાસકાંઠા સુધીના અફાટ રણ વચ્ચે પાકિસ્તાનથી આવેલા તીડના આક્રમણની દહેશત સેવાઈ હતી. થોડા દિવસ અગાઉ જેસલમેર નજીકના 90થી વધુ ગામોમાં તીડની અસર જોવા મળતા ત્યાં તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તેવામાં વાવ તાલુકાના લોદ્રાણી અને શમલી (અસારા) ગામના રણવિસ્તારમાં છુટા છવાયા તીડ જોવા મળતા તંત્રે બે દિવસથી ધામા નાખ્યા છે. ખેતીવાડી વિભાગ દ્વારા લોકેશન મેળવી લેવાયાં બાદ કેન્દ્રના તીડ નિયંત્રણ વિભાગ દ્વારા દવા છંટકાવ કામગીરી કરી નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે હાલમાં વહીવટી તંત્ર સબ સલામત હોવાનુ રાગ આલાપી રહ્યા છે. જોકે આ મામલે કોઇ સ્પષ્ટ પ્રતિક્રિયા આપતું નથી. જોકે જિલ્લાના ખેતીવાડી વિભાગે તીડ અંગેની માહિતી મળતા ત્વરિત તપાસ હાથ ધરી તેની વિગતો તીડ નિયંત્રણ કચેરીને પાઠવી દીધી હતી. તીડના પ્રવેશથી ખેતીવાડી વિભાગે રણકાંઠાના ખેડૂતોને સાબદા કર્યા છે અને જ્યાં પણ તીડ જેવી જીવાત જોવાય તો તરત ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું છે. રણકાંઠાના ગામોમાં જ્યાં પણ તીડ જેવી જીવાત દેખાય કે તરત તલાટી, સરપંચ, મામલતદાર, ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગને જાણ કરવા ખેડૂતોને સૂચના અપાઈ છે.બીજી બાજુ જો વરસાદ થાય તો તીડ નાશ પામે છે.

વાવમાં હાલ નુકસાનની શક્યતા નથી: શમલી અસારા અને લોદ્રાણીના ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ખેતરોમાં કોઈ પાક હાલ ઉભો નથી. એટલે તીડના સંભવિત આક્રમણથી ખેડૂતોને કોઈ નુકસાન નથી પરંતુ જો સમયસર નિયંત્રણ કરવામાં આવે તો આવનારી મોટી મુસીબતથી બચી શકાશે. 1993માં તીડ આવ્યા ત્યારે ખૂબ નુકસાન થયું હતું. હવે વર્ષો પછી ફરી જોવા મળ્યા છે.

દોઢથી બે ઇંચ જેટલી સાઈઝના પીળા તીડ જોવા મળ્યા: તીડ વિશેષજ્ઞ દ્વારા જાણવા મળ્યું હતું કે “વાવના રણમાં જે તીડ જોવા મળ્યા તેમાં પીળા રંગના તીડ છે. જે દિવસે ઓછા પરંતુ રાત્રે ઠંડા માહોલમાં વધુ જોવા મળે છે. હાલમાં જોવા મળતા તીડ દોઢથી બે ઇંચની સાઈઝના છે. જેના આગળના 2પગ ટૂંકા અને પાછળના 2 પગ લાંબા જોવા મળ્યા છે.’

Contribute Your Support by Sharing this News: