ગરવીતાકાત(તારીખ:૦૩)

અમરેલીના મોબાઈલની દુકાનના વેપારીની કાર હાઈવે પર લિમડાંના વૃક્ષ સાથે અથડાતા લગ્ન પ્રસંગે હાજરી આપવા જતા ત્રણ લોકોના મૃત્યું નીપજ્યા છે. પરિવાર કુંકાવાવમાં લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. એક જ પરિવારના ત્રણ વ્યક્તિની અંતિમયાત્રા એકસાથે નીકળતા સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ચક્કરગઢ વિસ્તારમાં ખોડિયાર મોબાઈલ શોપ નામે દુકાન ધરાવતા ગૌરાંગભાઈ મનસુખભાઈ કાનપરિયા સોમવારે લગ્ન પ્રસંગ માટે વહેલી સવારે રવાના થયા હતા. અમરેલી-કુવાડવા હાઈવે પર અચાનક પોતાની કાર GJ13AA0808 પરનો કાબુ ગુમાવતા કાર ધડાકા સાથે લિમડાના ઝાડ સાથે અથડાઈ હતી. જ્યાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

અમરેલી-કુંવાડવા હાઈવે પર આવેલા નાનાભંડારિયા ગામની નજીક ધોળીયા કુવા અને પેટ્રોલપંપની વચ્ચે આ અકસ્માત થતા ફરી એક વખત કુંવાડવા હાઈવે અકસ્માત ઝોન સાબિત થયો છે. પુરપાટ વેગે આવતી કાર લિમડાના વૃક્ષ સાથે અથડાતા મેઈન રોડ પરથી સામેની બાજુ કિનારા સુધી ઢસડાઈ હતી. જેમાં આગળની તરફ કારનો કુડચો બોલી ગયો હતો. ગૌરાંગભાઈના પત્ની કનકબેન અને આઠ વર્ષના પુત્ર મહેશને માથાના ભાગે ગંભીર ઈજા થતા મૃત્યું નીપજ્યું હતું. ધડાકા સાથે અથડાયેલી કારમાંથી મૃતદેહને કાઢવા મુશ્કેલી પડી હતી. આ માટે એકઠા થયેલા સ્થાનિકોએ 108ની મદદ લીધી હતી અને સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

હોસ્પિટલમાં બંને તરફથી પરિવારજનો દોડી આવતા માતમનો માહોલ જોવા મળ્યો હતો. મનસુખભાઈ તલાટી તરીકે નિવૃત થયા હતા. તેમના એકના એક પુત્ર ગૌરાંગનું અને પૌત્ર મહેશનું અવસાન થતા હવે કાનપરીયા પરિવારનો વંશદીપ પણ ઓલવાયો હતો. સૌથી દર્દના કરુણાંતિકા સામે આવતા દીકરીના પરિવારમાંથી પણ સંબંધીઓએ ગમગીન બન્યા હતા. અમરેલી કુવાડવા રોડ પર થોડા દિવસ પહેલા જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં એક સાંકડા રોડ પર પુરપાટ વેગે આવતા વાહનો કાબુ ગુમાવી દેતા આવા જીવલેણ અકસ્માત બને છે. આ ઉપરાંત ભયાનક વણાંકને કારણે ગતિ પર કાબુ કરી શકાતો નથી. આ મુદ્દે સ્થાનિકો તરફથી અવારનવાર રજૂઆત કરવામાં આવે છે. અગાઉના અકસ્માતને ધ્યાને લેતા આ બીજો હાઈવે પરનો અકસ્માત છે.

Contribute Your Support by Sharing this News: