ગરવીતાકાત ગાંધીનગર: ગુજરાતના લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા લાંચ લેતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે હેઠળ ગઇકાલે બનાસકાંઠાના દિયોદર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે. જેઠવા 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના શિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પ્રધુમ્ન સિંહ જુવાન સિંહ જેઠવાને દીયોદર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પીએસઆઇ તરીકેનો ચાર્જ પણ સોંપાયો હતો. દારુના એક કેસમાં ફરિયાદી સામે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાર બાદ દારુના કેસના આરોપી સામે ઢીલી કાર્યવાહી કરવા, રિમાન્ડ દરમિયાન હેરાન નહીં કરવા અને આરોપીને જામીન મળી જાવ તેવી દસ્તાવેજી કાર્યવાહી કરવા માટે 20 હજાર રૂપિયાની લાંચ પીએસઆઇ જેઠવાએ માંગી હતી. જો કે જાગૃત નાગરિક આ માટે લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબીએ છટકું ગોઠવી ગઇકાલે પીએસઆઇ જેઠવાને દિયોદર પોલીસ સ્ટેશનમાં 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા હતા. આ ટ્રેપમાં ટ્રેપિંગ અધિકારી તરીકે બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ કે.જે. પટેલ તથા પોલીસ સ્ટેશનની ટીમ અને સુપરવિઝન અધિકારી તરીકે એસીબી બોર્ડર એકમ (ભુજ) નાં મદદનીશ નિયામક કે.એચ. ગોહીલે કામગીરી કરી હતી.