વડાપ્રધાન મોદી શ્રીલંકામાં થયેલાં વિસ્ફોટો બાદ ત્યાં જનારા પહેલાં વિદેશી નેતા શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે વિસ્ફોટમાં 11 ભારતીય સહિત 258 લોકો માર્યા ગયા હતા મોદી આજે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિર જશે જ્યાં સભા સંબોધી પૂજા-અર્ચના કરશે

ગરવીતાકાત નેશનલ ડેસ્કઃ વડાપ્રધાન મોદી રવિવારે શ્રીલંકાના કોલંબો પહોંચ્યા. એરપોર્ટ પર વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ તેમનું સ્વાગત કર્યુ. જે બાદ મોદીએ ઇસ્ટરના દિવસે થયેલાં વિસ્ફોટમાં માર્યા ગયેલાં લોકોને શ્રદ્ધાંજલિ આપી. થોડી વારમાં તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેના સાથે લંચ અને દ્વિપક્ષીય મુલાકાત કરશે. જે બાદ તેઓ વિપક્ષના નેતા મહિન્દા રાજપક્ષે અને તમિલ રાષ્ટ્રીય ગઠબંધનના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. 21 એપ્રિલે શ્રીલંકામાં થયેલા વિસ્ફોટો બાદ ત્યાં જનારા તેઓ પહેલાં વિદેશી નેતા છે. શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલાં વિસ્ફોટોમાં 11 ભારતીય સહિત 258 લોકોનાં મોત નિપજ્યા હતા. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISએ લીધી હતી.

મોદી કોલંબોથી સીધા જ આંધ્રપ્રદેશના તિરુપતિ જશે અને રેલીને સંબોધિત કર્યા બાદ ભગવાન વેંકટેશ્વર મંદિરમાં પૂજા કરશે. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી પણ તેમની સાથે હાજર રહેશે.

વડાપ્રધાન તરીકે મોદી ત્રીજી વખત શ્રીલંકાની મુલાકાતેઃ વડાપ્રધાન પદે રહેતાં મોદી ત્રીજી વખત શ્રીલંકા પહોંચ્યા છે. આ પહેલાં તેઓ 2015 અને 2017માં શ્રીલંકાની મુલાકાત ગયા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે મોદીની આ મુલાકાત શ્રીલંકા સરકારને તે બતાવવાની છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં અમે તેમની સાથે ઊભા છીએ. મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે આતંકવાદના સામના માટે ભારત સરકાર શ્રીલંકાને પૂરી મદદ કરશે.

શનિવારે ગુરુવાયુરપ્પન મંદિર ગયા હતા મોદીઃ આ પહેલાં મોદી શનિવારે કેરળના ત્રિશૂર સ્થિત ગુરુવાયુરપ્પન (શ્રીકૃષ્ણ) મંદિરમાં પૂજા-અર્ચના કર્યા હતા. આ મંદિર 5 હજાર વર્ષ જૂનું છે અને તેને દક્ષિણ ભારતનું દ્વારકા પણ કહેવાય છે. અહીં તેઓ મંદિરના પારંપારિક વેશભૂષામાં નજરે પડ્યા હતા. ભાજપ કાર્યકર્તાઓની અભિવન સભામાં તેઓએ કહ્યું કે આપણે લોકસભા ચૂંટણીમાં માત્ર રાજનીતિ માટે મેદાનમાં ન હતા, પરંતુ જનસેવા જ આપણું લક્ષ્ય છે. ભલે જ અહીં આપણું ખાતું ન ખુલ્યું, પરંતુ જનતાનો આભાર વ્યકત કરવા માટે આવ્યો છું. આ આપણાં વિચાર અને સંસ્કાર છે.

બીજા સાથે સમાચાર શેર કરો.