મહેસાણા / પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વિના જ 29 લાખના ખર્ચે નવો RCC રોડ બનાવાઇ રહ્યો છે

ગમ્યું તો આગળ શેર કરો.
આયોજન સામે સવાલો ઉઠતાં પાલિકાએ કહ્યું-ખુલ્લી કેનાલ અને શોષકૂવાની વિચારણા છે. મહેસાણામાં લકીપાર્કથી મહાશક્તિ સમ્પ વચ્ચે સહકારનગર રોડ પર દર ચોમાસે પાણી ભરાય છે

મહેસાણા: મહેસાણા શહેરમાં લકીપાર્કથી મહાશક્તિ સમ્પ સુધી સહકારનગર રોડ પર અહીંના રહીશોને વર્ષોથી દર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કર્યા વિના જ પાલિકા દ્વારા જૂનો રોડ તોડી રૂ. 29.36 લાખના ખર્ચે નવો આરસીસી રોડ બનાવાઇ રહ્યો છે, જેને લઇ પાલિકાના આયોજન સામે સવાલો ઉઠી રહ્યા છે. મહાશક્તિ સમ્પથી એરોડ્રામ તરફ રોડ લેવલ ઊંચું છે, જ્યારે લકીપાર્ક, પૂજન કોમ્પલેક્ષથી સહકારનગર રોડનું લેવલ તેનાથી નીચું હોઇ એરોડ્રામ ગેટથી નિકાલ થતાં વરસાદી પાણીની સમસ્યા સહકારનગર રોડ પર માથુ ઉંચકતી હોય છે. સહકારનગર, હીલનગર, અટીરા સોસાયટી, પુષ્પકુંજ સાઇડની દુકાનો આગળ વેપારીઓએ ચોમાસામાં પાણી દુકાનોમાં ઘૂસતાં હોઇ પાળીઓ કરી છે. વેપારીઓ હવે નવો રોડ બની રહ્યો છે ત્યારે આવનારા ચોમાસામાં પાણીનો નિકાલ થાય તેવું ઝંખી રહ્યા છે. પરંતુ, રોડ નવિનીકરણમાં પાલિકાએ હાલમાં વરસાદી પાણી નિકાલ માટે નવી કોઇ વ્યવસ્થા કરી ન હોઇ ફરી ચોમાસામાં પાણી ભરાવાની શક્યતા વર્તાઇ રહી છે. દુકાનદાર સંજય પ્રજાપતિએ કહ્યું કે, દર ચોમાસામાં પાણી દુકાનમાં આવતું હોઇ પાળી કરી રાખી છે.

વરસાદી લાઇનમાં ગટરના જોડાણો
વરસાદી પાણી નિકાલની લાઇનમાં કેટલાક ગટરના જોડાણો થવાથી ચોમાસામાં ચોકઅપ લાઇનના કારણે પાણી ભરાઇ રહેવાની સમસ્યા વકરતી હોવાનું પાલિકાના સૂત્રોએ કહ્યું હતું.

ગાયત્રી સોસાયટી પાસે બે શોષકૂવા બનાવાશે:પાલિકા
નગરપાલિકાની બાંધકામ શાખાના સૂત્રોએ કહ્યું કે, હાલ નવો રોડ આશરે 5 ઇંચ ઊંચો બનશે. અહીં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે ચોમાસા પહેલાં વરસાદી પાણીની લાઇનની સફાઇ કરાશે. બે શોષકૂવા મંજૂર થયા છે. જે ગાયત્રી સોસાયટી આસપાસ બનાવાશે. જેમાં વરસાદી પાણીનો નિકાલ થઇ શકે. ઉપરાંત, મહાશક્તિ સમ્પથી એરોડ્રામ ગેટ સુધી ખુલ્લી કેનાલ બનાવાની પણ વિચારણા છે.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો