સાળંગપુર મંદિરના નામે દસ્તાવેજ કરી જમીન કૌભાંડ આચરાયું

ગમ્યું તો આગળ શેર કરો.
સાળંગપુર મંદિરના નામે બે ભરવાડ શખ્સોએ વૃદ્ધને વિશ્ર્વાસમાં લઈ રૂા.૧.૩૫ કરોડમાં સાળંગપુર ખાતે આવેલ વૃદ્ધની વડીલોપ્રાજીત મિલકત ખરીદ કરી ૪૫ લાખ રૂપિયા આપી સાળંગપુર મંદિરના કહેવાતા સેક્રેટરી સંજય પટેલના ખાતાના ચેક આપી સાળંગપુર મંદિરના નામે દસ્તાવેજ કરી લઈ બાકીની રકમ રૂા.૮૫ લાખ નહીં ચૂકવી વૃદ્ધ સાથે વિશ્ર્વાસઘાત કરી છેતરપિંડી કરી સાળંગપુર મંદિરના નામે જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ બરવાળા પોલીસ મથકે નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગેની પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મુળ સાળંગપુરના વતની અને હાલ સુરતના અડાજણ પાટીયા નજીક આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા પ્રેમજીભાઈ ભીખાભાઈ મોજીદરા (ઉ.૭૩) નામના પ્રજાપતિ વૃદ્ધે સાળંગપુર ગામે રહેતો કુંકા રઘુ ભરવાડ અને બરવાળાના બેલા ગામે રહેતો ધુડા ભીખા સિંધવ નામના બે શખ્સો સામે રૂા.૧.૩૫ કરોડની કિંમતનું સાળંગપુરમાં આવેલ વડીલોપ્રાજીત મિલકતની ખરીદી કરી બાકીની રકમ નહીં ચૂકવી વિશ્ર્વાસઘાત કરી જમીન કૌભાંડ આચર્યું હોવાની બરવાળા પોલીસ મકે ફરિયાદ નોંધાવી છે.સુરત ખાતે રહેતા અને સાળંગપુરના વતની પ્રેમજીભાઈ મોજીદરાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કુંકા રઘુ ભરવાડ અને ધુડા ભીખા સિંધવ સાથે ત્રણ પેઢીથી સંબંધ હોય અને આ વિશ્ર્વાસના કારણે પ્રેમજીભાઈ તેના મોટાભાઈ ભાણજીભાઈ અને નાનાભાઈના પત્ની નીતાબેનના નામે સંયુક્ત મિલકત સાળંગપુર ગામે આવેલી હોય અને આ મિલકત વેંચવાની હોય જેથી કુંકા અને ધુડા ભરવાડે પ્રેમજીભાઈનો સંપર્ક કરી ગઈ તા.૧૮-૫-૨૦૧૮ના સુરત ખાતે આવી આ બન્ને શખ્સોએ સાળંગપુર મિલકત ૧.૩૫ કરોડમાં ખરીદ કરી હોય જેના બાના સ્વરૂપે રૂા.૧૦ લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ આ બન્ને શખ્સોએ ગઈ તા.૮-૨-૨૦૧૯ના રોજ રૂા.૪૫ લાખના ચેક કુંકા અને ધુડાના કહેવાથી સાળંગપુર મંદિરના સેક્રેટરી સંજય શાંતિ પટેલ (રહે.ભરૂચવાળા)એ ચેક આપ્યા હતા અને પ્રેમજીભાઈ અને તેમના પરિવારજનોએ કુંકા અને ધુડા પર ભરોસો રાખી બાકી રકમ રૂા.૮૫ લાખ ન ચૂકવી હોય છતાં બન્ને શખ્સોના ભરોસે સાળંગપુર હનુમાનજી મંદિરના સેક્રેટરી સંજય શાંતિ પટેલ ભરૂચવાળાને દસ્તાવેજ કરી આપ્યો હતો. સમય જતાં પ્રેમજીભાઈએ કુંકા અને ધુડા પાસે બાકીની રકમ આપવા અંગે જણાવતા તેઓએ હાથ ઉંચા કરી દેતા પ્રેમજીભાઈને જાણ થઈ હતી કે, તેઓએ જમીન કૌભાંડ આચરી પોતાની મિલકતનો દસ્તાવેજ કરાવી લીધો હતો. બનાવના પગલે પ્રેમજીભાઈએ સાળંગપુર મંદિરના સંચાલકો અને બન્ને ભરવાડ શખ્સો સામે બરવાળા પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પ્રથમ અરજી કરી હતી. પરંતુ પોલીસની વરવી ભૂમીકા સામે આવી હતી. મંદિરના વિવાદને લઈ પોલીસે પારોઠના પગલા ભર્યા હોય તેમ ફરિયાદ નહીં નોંધી જમીન કૌભાંડ પ્રકરણને દબાવી રફેદફે કરી નાખવા પ્રયાસ કર્યો હોવાનું પ્રેમજીભાઈએ આક્ષેપ સાથે હાઈકોર્ટમાં ફરિયાદ કરતા મામલો ફરી બરવાળા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. હાલના પીએસઆઈ એસ.વાય.ઝાલાએ હાઈકોર્ટના આદેશથી આ પ્રકરણમાં ઈન્કવાયરી કરી સાળંગપુર મંદિરના નામે જમીન કૌભાંડ આચરનાર કુંકા રઘુ ભરવાડ અને ધુડા ભીખા સિંધવ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગમ્યું તો આગળ શેર કરો.