અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં રસ્તા પાસે પાર્ક કરેલી કારમાં બાળક પુરાઇ ગયું હતું અને તેનું શ્વાસ રૂંધાતા મોત નીપજ્યું હતું.
ગરવીતાકાત અમદાવાદઃ બાળકોને એકલા રમતાં છોડનાર માતા પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં રસ્તા પાસે પાર્ક કરેલી કારમાં બાળક પુરાઇ ગયું હતું અને તેનું શ્વાસ રૂંધાતા મોત નીપજ્યું હતું. પાતા-પિતાએ બાળકની શોધખોળ કરતા કારમાંથી બેભાન અવસ્થામાં બાળક મળી આવ્યું હતું. બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યું હતું.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના બાપુનગર પાસેના હીરાવાડી વિસ્તારમાં આવેલા પાયલ પ્લાઝા પાસે એક કાર છેલ્લા 15 દિવસથી પડી રહી હતી. આ કારમાં પાંચ વર્ષનો અક્ષય  રમતાં રમતાં પુરાઇ ગયો હતો. જેના કારણે તેનું ગુંગળામણથી મોત નીપજ્યું હતું. પોતાનું બાળક ઘરે ન આવતા માતા-પિતાએ તેની શોધખોળ હાથધરતા પાયલ પ્લાઝાની બહાર પાર્ક કરેલી કારમાંથી બાળક મળી આવ્યું હતું. માતા-પિતાએ કારનો કાચ તોડીને બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે બાળકનો પરિવાર નજીક આવેલી ચાલીમાં જ રહે છે. બાળકનું શંકાસ્પદ મોત થયું હોવાની આશંકા પણ સેવાઇ રહી છે. આ અંગે કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી અને બાળકના માતા પિતા પણ આ અંગે પોલીસ ફરિયાદ કરવા માંગતા નથી.

બીજા સાથે સમાચાર શેર કરો.