ગરવીતાકાત,અમદાવાદ : આઠમના દિવસે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચના નામે પાર્થ ટાવરમાં પોલીસે રેડ કરી હતી. મણિનગર પોલીસ સ્ટેશનના P.S.I સહિત 4 જવાનોએ આ રેડમાં કથિત રીતે સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી રૂપિયા 6 લાખનો તોડ કર્યો હોવાની ફરિયાદ થઈ હતી. શહેર પોલીસના ઝોન-6ના ઇન્ચાર્જ D.C.Pએ આ મામલે P.S.I સહિત 4 જવાનોને સસ્પેન્ડ કર્યા છે. D.C.P અક્ષયરાજ મકવાણાએ આ મામલે રેડ કરનાર પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાતા પગલું ભર્યુ છે.

મણિનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સી.એન. મોરડીયા અને અન્ય પોલીસકર્મીઓ જન્માષ્ટમીના દિવસે રાતે મણિનગરના પાર્થ ટાવરમાં આવેલા એક ફ્લેટમાં ગયા હતા પોતે ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ હોવાની ઓળખ આપી તમે જુગાર રમો છો તેમ કહી તમામે દમ માર્યો હતો. રેડ કરવા ગયેલી પોલીસે કેસ ન કરવા મામલે જુગાર રમી રહેલાં લોકો પાસેથી 1.5 લાખ રોકડ અને બાકીના દાગીના પડાવી લીધા હતા. આ મામલે ભોગ બનનારે મણિનગર પી.આઈ.ને રજૂઆત કરી હતી. આ મામલે મણિનગર પોલીસે ધ્યાન ન આપ્યું હોવાથી ભોગ બનનારે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સુધી રજૂઆત કરી હતી.

ગૃહરાજ્ય મંત્રીને ફરિયાદ થઈ હોવાથી તેમણે અમદાવાદ શહેર પોલીસના ઝોન-6ના ઇન્ચાર્જ ડી.સી.પીને તપાસના આદેશ આપ્યા હતા. આ મામલે મંગળવારે એક P.S.I અને 4 જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે પોલીસે ગુના બનતાં રોકવાના અથવા તો ગુનાનો ભોગ બનનારને ન્યાય અપાવવાનો હોય તે પોલીસે જ ગુનો આચરી તોડ કરતા અનેક પ્રશ્નાર્થો સર્જાયા છે. જોકે, આ મામલે રાજ્યના ગૃહમંત્રીને ફરિયાદ થઈ હોવાથી પોલીસને કડક પગલાં ભરવાની ફરજ પડી છે.

Contribute Your Support by Sharing this News: