ગુજરાત સરકારની મુશ્કેલીમાં વધારો થાય તેવી સંભાવના એટલા માટે વધી છે કે 2021ના અંત સુધીમાં રાજ્યની વિવિધ સરકારી ઓફિસો તેમજ સચિવાલયમાંથી 37000 જેટલા કર્મચારીઓ વયનિવૃત્ત થઇ રહ્યાં છે. આ સંજોગોમાં સરકારે સામાન્ય વહીવટ વિભાગે સરકારી વિભાગોમાંથી હાલના મહેકમ તેમજ છેલ્લા બે વર્ષમાં વયનિવૃત્ત થનારા કર્મચારીઓની વિગતો આપવા આદેશ કર્યો છે.

ગુજરાતનું સચિવાલય અને સરકારી કચેરીઓ ખાલી થઇ રહી છે, કેમ કે છેલ્લા પાંચ વર્ષથી કર્મચારીઓની વય નિવૃત્તિ શરૂ થઇ ચૂકી છે. રાજ્યની સરકારી કચેરીઓમાં હવે એવો સમય આવ્યો છે કે પ્રતિવર્ષ 15000 થી 17000ની મોટી સંખ્યામાં કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે. 2019ના વર્ષમાં 20,000 જેટલા કર્મચારીઓ વયનિવૃત્ત થયા હતા.

સરકારના વિભાગો પાસેથી ખાલી જગ્યાઓની વિગતો પણ માગવામાં આવી છે કારણ કે 2020ના વર્ષમાં કુલ 19,700 અને 2021ના વર્ષમાં 17,500 જેટલા કર્મચારીઓ વયનિવૃત્ત થઇ રહ્યાં છે. ગુજરાત સરકારની વિશાળ કર્મચારી ફોજ નિવૃત્તિના આરે છે પરંતુ તેની સામે સરકાર પ્રતિવર્ષ માત્ર 20 થી 30 ટકા કર્મચારીઓની ભરતી કરે છે

આઠ લાખ કરતાં વધુ સંખ્યાબળ ધરાવતી ગુજરાત સરકારમાં 2005 પછી નિવૃત્તિની સંખ્યા ધીમે ધીમે વધતી ગઇ છે. ખાસ કરીને જૂન મહિનામાં નોકરીમાં દાખલ થયેલા હજારો કર્મચારીઓ આ જ મહિનામાં વય નિવૃત્ત વધારે થાય છે. નિવૃત્ત થયેલા આ કર્મચારીઓમાં સરકારની વિવિધ કચેરીઓ, શિક્ષકો, પ્રોફેસરો, ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના કર્મચારીઓ, બોર્ડ-કોર્પોરેશનના કર્મચારીઓ તેમજ વિવિધ પંચાયતના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

ગુજરાત વહીવટી સેવાના સિનિયર ઓફિસરોની પણ આવી જ હાલત છે. એક મોટી ટીમ નિવૃત્તિના પથ પર છે. બીજી તરફ સરકારમાં વર્ગ-1 થી વર્ગ-3ના કર્મચારીઓની નિવૃત્તિનો આંકડો પ્રતિવર્ષ 15000 કરતાં વધી ગયો છે જે સરકાર માટે ગંભીર બાબત છે. કર્મચારીઓની જેમ સરકારી શિક્ષકો પણ નિવૃત્ત થાય છે. પ્રતિવર્ષ 3000 થી 5000 જેટલા શિક્ષકો નિવૃત્ત થઇ રહ્યાં છે.

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના પ્રમુખ વિશ્નુભાઇ પટેલ કહે છે કે ગુજરાતમાં કરસકરના ભાગરુપે છેલ્લા 25 વર્ષથી કર્મચારીઓની રેગ્યુલર ભરતી પર પ્રતિબંધ હોવાથી દર વર્ષે હજારો કર્મચારીઓ નિવૃત્ત થતા હોવા છતાં નવા કર્મચારીઓ લેવામાં આવતા નથી પરિણામે વહીવટી માળખું વેરવિખેર થઇ જવાની દહેશત છે. વિશ્વુભાઇના જણાવ્યા પ્રમાણે સરકારમાં ઇજનેરો, કાયદાના નિષ્ણાંતો અને ટેકનિકલ સ્કીલ ધરાવતા અધિકારીઓની મોટી ખોટ વર્તાઇ રહી છે.

Contribute Your Support by Sharing this News: