ગરવીતાકાત,થરાદ: થરાદમાં ચોવીસ કલાકમાં વરસાદ ૧૭૧ મિમી (સાત ઇંચ) નોંધાવા પામ્યો હતો. જે રાજસ્થાન બોર્ડરવિસ્તારના પીલુડા, ખોડા પટ્ટાનાં ગામોમાં પ્રમાણમાં ઓછા ને બાદ કરતાં એકંદરે સાર્વત્રિક રહેવા પામ્યો હતો. શહેરમાં એકરાતમાં સાત ઇંચ વરસાદ પડતાં કેટલાક નિચાણવાળા ભાગોમાં પાણીનો ભરાવો થવા પામ્યો હતો. જેમાં થરાદ એસટી ડેપોના વર્કશોપનો પણ સમાવેશ થતો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે થરાદ એસટી ડેપોના આશરે ૩૦ થી ૩૩ લાખના ખર્ચથી વર્કશોપમાં રિનોવેશનની કામગીરી ૨૦૧૭ના વર્ષમાં હાથ ધરવામાં આવી હતી. જે તે સમયે તેમાં ડેપોમાં નવાં પતરાં, તળીયાને ઉંચુ કરવું, બારીઓના નવિનીકરણ,થાંભલા નવા નાંખવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ડેપોના કર્મચારીઓમાં જ આ કામગીરી પ્રત્યે આશંકા વ્યક્ત કરાતાં વર્કશોપમાં પાણી ભરાવાના કારણે તળીયું આરસીસી કામ કરીને બે ફુટ ઉંચુ કરવાનું હતું તેની જગ્યાએ માત્ર એકાદ ફુટ નામ પુરતું કરીને ગોલમાલ કરાતાં તેમજ ઓફીસોમાં કોટાસ્ટોન નીચે માત્ર માટી જ નાંખીને ફીટ કરી દેવાયા હોવાની બુમરાણ ઉઠવા પામી હતી. જેની પ્રતિતી ૨૦૧૮ના વર્ષમાં દુષ્કાળની પરિસ્થતી હોઇ ૨૦૧૯ના પ્રારંભે થવા પામી હતી. જેમાં ડેપોના રેંપથી થોડાંક દુર જ પાણી રહ્યાં હતાં. જો કદાચ એકાદ બે ઇંચ વરસાદ વધુ આવેતો ડેપોનું મેન્ટેનસ કામગીરી ખોરવાઇ જવાની પરિસ્થતી પણ આવે તેવો ઘાટ સર્જાતાં ડેપોના રિનોવેશન પાછળ કરવામાં આવેલો ખર્ચ પાણીમાં ગયો હોવાની ચર્ચા પણ ઉઠવા પામી હતી.

તાજેતરમાં જ થરાદ ડેપોના બે કરોડના ખર્ચે બનાવવામાં આવેલા એસ ટી ડેપોની દિવાલોમાં તિરાડો પડતાં તેની કામગીરીમાં ગેરરિતીઓ અંગેનો અહેવાલ નવગુજરાત સમયમાં પ્રકાશિત પણ કરાયો હતો. જેનું ગત ૨૬ મી જાન્યુઆરીએ લોકાર્પણ કરાયું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ડેપોની દિવાલોમાં ભેજ ઉપરાંત મુસાફરોની બેઠક માટેના અપવાદરૂપ બાંકડા જ કોરા જણાતાં બાકીના તમામ પણ પાણી ટપકતું જોવા મળ્યું હતું. આથી મુસાફરોને પ્રથમ ચોમાસેથી જ લાખો રૂપીયાના ખર્ચે બનાવેલ ડેપો હાલાકીરૂપ બનવા પામ્યો હતો.

બીજા સાથે સમાચાર શેર કરો.