પાલનપુર શહેરના આબુ હાઇવે પર આર.ટી.ઓ. સર્કલ પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકની હત્યા કરી ફેંકી દેવાયો હોવાના પ્રાથમિક અનુમાન સાથે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ખરેખર આ યુવકની હત્યા જ થઈ હોવાનું બહાર આવ્યું છે અને પોલીસે પાલનપુરના શક્તિનગરના છાપરા વિસ્તારમાં તેમજ હરીપુરા વિસ્તારમાં રહેતા ૨ ઇસમોની આ કેસમાં ધરપકડ કરી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.

પાલનપુર આર.ટી.ઓ સર્કલ પાસે રેલવે ગરનાળા પાસે એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવકના માથાના ભાગે પથ્થરથી માર મારી હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરીને પોલીસે યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જે કેસમાં બનાસકાંઠા પોલીસવડા તરૂણકુમાર દુગ્ગલની સૂચના આધારે પાલનપુર શહેર પશ્ચિમ પી.આઇ આર.કે.સોલંકી તથા એલ.સી.બી પી.આઇ. એચ.પી.પરમાર તેમજ એસ.ઓ.જી. પી.એસ.આઇ એન.એન.પરમાર તેમજ તેમની ટીમે આ કેસમાં સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન હત્યા કરેલી હાલતમાં મળી આવેલ મૃતદેહ દાંતા તાલુકાના કુકડી ગામના મહેશભાઇ સાયબાભાઇ તરાલનો હોવાનું જાણવા મળ્યું હતુ. જે કેસમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ તેમજ કડીઓ મેળવી જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

જેમાં તપાસ દરમ્યાન પાલનપુર આબુ હાઇવે પર તાલુકા પોલીસ મથકની પાછળ શક્તિનગરના છાપરા વિસ્તારમાં રહેતા રોહિતભાઇ ઉર્ફે કાળુ પ્રવીણભાઇ ડાભી (ઠાકોર) તેમજ પાલનપુરના હરિપુરા વિસ્તારમાં રહેતા ભીમાભાઈ હીરાભાઇ સલાટ નામના બે યુવકોને ઝડપી સઘન પૂછપરછ કરતાં બન્નેએ ગુનાની કબૂલાત લીધી હતી. આમ પાલનપુર આર.ટી.ઓ સર્કલ નજીક મળી આવેલા યુવકના મૃતદેહ મામલે પોલીસની સઘન ચેકીંગ કામગીરી દરમિયાન ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી લેવાયા છે.

Contribute Your Support by Sharing this News: