વડગામના ભલગામથી અંબાજી દર્શન કરીને શ્રદ્ધાળુઓ પરત ફરતાં હતા વડગામના ભલગામના એક જ મહોલ્લાના 35 લોકોને દાંતા પાસે દરગાહે જઇ અંબાજીથી પરત આવતાં અકસ્માત 15ની ક્ષમતાવાળા ડાલામાં 35 લોકો ભરેલા હતા, બ્રેક ફેલ થતાં પથ્થર સાથે અથડાતાં મહિલાઓ-બાળકો ફંગોળાઇને પટકાયાં

ગરવીતાકાત પાલનપુર: અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટના વળાંકમાં શુક્રવારે સાંજના 15ની ક્ષમતાવાળા જીપડાલામાં 35 જેટલા મુસાફરો ખીચોખીચ ભરીને જતાં બ્રેક ફેલ થઈ જતાં પથ્થર સાથે અથડાઇને પલટી ખાઈ ગયું હતું. જીપડાલુ ધડાકાભેર પથ્થર સાથે અથડાતાં તેમાં બેઠેલા મુસાફરો હવામાં ફંગોળાઇને રોડ અને પથ્થર ઉપર પટકાતાં ઘટના સ્થળે જ 6 જણાનાં મોત થયાં હતાં. જ્યારે 3 જણાનાં સારવાર દરમિયાન મોત થતાં આંકડો 9એ પહોંચ્યો હતો. 26 ઘાયલોને દાંતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. મૃતકોમાં 8 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. વડગામના ભલગામનો સિપાઈ પરિવાર દાંતાના અંતરશા પીરની દરગાહે દર્શન કરી અંબાજી ફરવા ગયો હતો અને ત્યાંથી પરત ફરતાં અંબાજી-દાંતા વચ્ચે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘાયલોની મરણચીસોથી સમગ્ર વિસ્તારથી ખળભળી
ઊઠ્યો હતો.

ડ્રાયવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો: બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભલગામના એક જ મહોલ્લાના નાના મોટા 35 જેટલા સિપાઈ પરિવારના સભ્યો જીપ ડાલામાં બેસી દાંતા તાલુકાના પહાડી વિસ્તારમાં આવેલા અંતરશા પીરની દરગાહે દર્શન કરવા ગયા હતા. અહીં દર્શન કરી તમામ લોકો અંબાજી ફરવા ગયા હતા. જ્યાંથી સાંજે પરત ફરતાં ત્રિશૂળિયા ઘાટમાં અચાનક ડાલાની બ્રેક ફેઈલ થઈ જતાં ડ્રાયવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ભયજનક વળાંકમાં ડાલુ પલટી ખાઈ ગયું હતું. જેમાં ડાલાના વજનથી ઘટના સ્થળે જ 6ના મોત થયા હતા.

ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા: અકસ્માત એટલો ભયંકર હતો કે ઘાયલોની ચીસોથી અંબાજીનો પહાડી વિસ્તાર ખળભળી ઊઠયો હતો. તમામ ઘાયલોને ખાનગી વાહનોમાં દાંતા લવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ 3નાં મોત થયા હતા. તમામ 26 ઘાયલોને દાંતાથી પાલનપુર હોસ્પિટલમાં લવાયાં હતાં. જેમાં સૌથી વધુ યુવતીઓ અને બાળકો હતા. જેમાં કેટલાકને માથાના ભાગે તો કેટલાકને હાથ-પગ પર ઇજાઓ થઈ હતી. ઘાયલોની સાથે આવેલા પરિવારજનો મોટી સંખ્યામાં સિવિલમાં ખડેપગે રહ્યા હતા. જોકે, સિવિલમાં પીવાના પાણીની સુવિધા ન હોવાથી બાળકો સહિત અનેક લોકો હેરાન પરેશાન થયા હતા.

ચાર ઘાયલોને અમદાવાદ ખસેડાયા: પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા ૪ ઘાયલોને વધુ ગંભીર ઇજાઓ હોવાથી દાંતા અને પાલનપુરની સિવિલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવારની જરૂર હોઈ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

તંત્ર-ધારાસભ્યો સિવિલ પહોંચ્યા: પાલનપુર સિવિલમાં સારવાર માટે લવાયેલા ઘાયલોને સમયસર સારવાર મળી રહે તે માટે કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી, મામલતદાર સહિત તેમજ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ પણ પહોંચી ગયા હતા.

ઘાયલોને પ્રથમ માળે લઈ જવા પડ્યા: પાલનપુર સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં સારવાર લીધા બાદ પ્રથમ માળે આવેલા વોર્ડમાં ઘાયલોને શિફ્ટ કરાયા હતા. જોકે લિફ્ટની સુવિધા ન હોવાથી ઘાયલોના પરિવારજનોને સ્ટ્રેચર ઉઠાવીને પગથિયાં ચડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મોત પાછળ પોલીસ-આરટીઓ જવાબદાર: આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આ માનવ જીંદગીઓના મોત પાછળ આખરે જવાબદાર કોણ?
1. સૌથી મોટો વાંક એ લોકોનો કે જેમણે જાતે જ આવી જોખમી મુસાફરી માટે તૈયાર થયા.
2. બીજા નંબરે એ પરિવારનો જેમણે આ લોકોને આવી રીતે જવા દેવા સહમતી આપી.
3. ત્રીજા નંબરે એ લોકો જેઓની કાયદો અને વ્યવસ્થા જોવાની જવાબદારી છે એ ટ્રાફિક પોલીસની.
4. ચોથા નંબરે એ આરટીઓ વિભાગ જેણે આવા વાહનોના ફિટનેસ સર્ટી ચકાસ્યા કે કેમ?

કમનસીબ મૃતકો
1.બિલકીસબેન આરીફ સિપાઈ (20)
2.મકસુદાબેન ભીખુભાઈ સિપાઈ (22)
3.મુન્તસીરાબેન સલીમભાઈ સિપાઈ (14)
4.અસરફભાઈ સલુભાઈ સિપાઈ (48)
5.રસિદાબેન અશરફભાઈ સિપાઈ (11)
6.મરિયમબેન મોજમખાન સિપાઈ (50)
7.રહેનાબાનુ ઈદ્રિસ અબ્દુલભાઈ (19)
8.ફરસાનાબેન સિકંદર ગુલાબભાઈ (17)
9.આઈશાબાનુ નસીબમાંબાનુ (13)

પાલનપુર સિવિલના ટ્રોમા સેન્ટરમાં જવા પાબંદી લગાવવી પડી: અકસ્માત બાદ સેવાભાવી લોકોના ટોળે ટોળા જુદી-જુદી મદદ સાથે પાલનપુર સિવિલ ખાતે પહોંચી ગયા હતા. જોકે ઘાયલોને તકલીફ ન પડે તે હેતુથી અંદર પ્રવેશ પર મનાઈ ફરમાવાઇ હતી.

Contribute Your Support by Sharing this News: