100 કરોડની બિલ્ડરની જમીન હડપ કરવાનો મામલો

શેર કરવા અહીં ક્લિક કરો.

જામનગરમાં વકીલ કિરીટ જોષીના હત્યારાઓને કોર્ટમાં રજૂ કરાતા અપાયા 10 દિવસના રિમાન્ડ

ગાંધીનગર:- જામનગરમાં જાણીતા એડવોકેટ કિરીટ જોષીની સરાજાહેર હત્યા કરી દઈને ફરાર થઈ ગયેલા આરોપીઓને મુંબઈથી ઝડપી લીધા બાદ ક્રાઈમ બ્રાન્ચે તેમને જામનગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને મોડી રાત્રે  રજૂ કર્યા હતા. પૈસા લઈને હત્યા કરનારા આ પ્રોફેશનલ કિલરના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જો કે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જામનગર પોલીસને સાથે રાખીને જામનગરના જાણીતા વકીલ કિરીટ જોષીની જાહેરમાં હત્યાની ગુત્થી ઉકેલી નાંખી હતી. જેમાં જયેશ પટેલ નામના શખ્સ પાસેથી સોપારી લઈને બે પ્રોફેશનલ કિલરો સાયમન લુઇસ અને અજય મહેતાએ કિરીટ જોષીનું ખુન કરી નાંખ્યું હોવાનું શોધી કાઢ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ આરોપીઓને મુંબઈથી પકડી લેવાયા બાદ,  તેમને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જામનગર લાવવામાં આવ્યા હતા. આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેઓને જામનગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગીતા આહીર મેડમના નિવાસસ્થાને મોડી રાત્રે રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદી અશોકભાઇ જોષી તેમજ તેમના વકીલ વી.એચ.કરનારા સહિત વકીલ મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસની રિમાન્ડની માંગણીને સમર્થન આપ્યું હતું. આ વખતે આ કેસના પોલીસ દ્વારા તેમના 14 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે જજ દ્વારા આગામી તારીખ 25 મે સુધી એટલે કે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે આરોપીઓને જોવા માટે જજના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતાં. વકિલ કિરીટ જોશીના મર્ડર કેસમાં ફરિયાદી અશોકભાઇના વકીલ વી એચ કરનારાએ જણાવ્યું હતું કે નામદાર મેજિસ્ટ્રેટના ઘરે આરોપીઓના રિમાન્ડ મેળવવા સુનાવણી થઇ હતી. આ એક સોચી, સમજી, સાજિશની ઘટના છે અને  તપાસનો રેલો મુંબઈ સુધી લંબાયો છે ત્યારે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેમજ ગુનેગારોની રાજ્ય, આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંડોવણી હોવાને પરિણામે તેમને વધું લાંબા સમયના રિમાન્ડ મળવા જોઈએ તેવી માંગણી અમો ફરિયાદીના વકીલ તરફથી નામદાર જજ સામે કરવામાં આવી હતી. જેમાં 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે જયેશ પટેલે વિદેશમાં રહીને પૈસાના જોરે ગુજરાતના છેવાડામા શહેર જામનગરમાં જાણીતા વકીલની હત્યાનું કામ પાર પાડ઼્યું હતું. પોલીસને જયેશ પટેલની તલાશ છે. પણ તે વિદેશમાં હોવાથી હાલ તેને પકડવામાં પોલીસને સફળતા મળી નથી. આ ઘટનાને 20 દિવસ જેટલો સમય થઈ ગયો છતાં હજી આ ઘટનામાં માસ્ટરમાઈન્ડ હજી નાસતો ફરે છે.  જો કે પોલીસે મુંબઈથી આ હત્યાના બે કાવતરાખોરોને પોલીસે ઝડપી લીધા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.