અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી હટાવવા વિધાનસભા અધ્યક્ષને 10 કોંગ્રેસ MLA મળવા પંહોચ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

   ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા માટે કોંગ્રેસે રજૂઆત કરી હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત કોંગ્રેસના 10 ધારાસભ્યો આજે વિધાનસભા અધ્યક્ષને મળીને પબુભા માણેકના ધારાસભ્ય પદને પણ રદ કરવા માટે રજૂઆત કરી હતી.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મામલે ઉગ્ર રજૂઆત કરવા માટે વિધાનસભા પહોંચ્યા હતા. સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ પણ પબુભાને કેમ સસ્પેન્ડ ના કરવામાં આવે તે મુદ્દે અનેક આક્ષેપ વિપક્ષો દ્વારા થઇ રહ્યા છે. ત્યારે સમગ્ર કામગીરીથી મીડિયાને દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિપક્ષનો આક્ષેપ છે કે, જે રીતે ભગવાનભાઈ બારડનું ધારાસભ્ય પદ રજાના દિવસે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ભાજપ દ્વારા આ સમગ્ર મામલે ઉતાવળ કરવામાં આવી હતી.

તેવી રીતે જ ભૂપેન્દ્ર ખાંટના કિસ્સામાં પણ ભાજપે મીડિયાની સામેથી બોલાવીને જ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. તો પછી સુપ્રીમ કોર્ટનો ચૂકાદો હોવા છતાં પણ પબુભા માણેક ને અત્યાર સુધી સસ્પેન્ડ કરવામાં કેમ આવ્યા નથી તેનો હિસાબ અધ્યક્ષ પાસે માંગવામાં આવ્યો હતો. અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી હતી. 25 એપ્રિલે કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળીને અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરાવવા અરજી કરી હતી. અગાઉ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે 10 એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલી આપ્યું હતું. ત્યારબાદ બનાસકાંઠાના દિયોદરમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી કાર્ય કરતાં કોંગ્રેસ તેની સામે પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.