જિલ્લા તિજોરી કચેરી પાલનપુર ખાતે છેલ્લા ૨૦ વર્ષથી હિસાબનીશ તરીકે ફરજ બજાવતાં શ્રી સવજીભાઇ ચતરાભાઇ પ્રજાપતિની અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ખાતે હિસાબી અધિકારી વર્ગ-૨ માં બઢતી સાથે બદલી થતાં પાલનપુર ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા તિજોરી અધિકારીશ્રી જે.આઇ.દેસાઇના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિદાય સમારંભમાં અધિકારી, કર્મચારીઓ ધ્વારા શ્રીફળ, સાકર આપી શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ. જિલ્લા તિજોરી અધિકારીશ્રી જે.આઇ.દેસાઇ અને પાલનપુર તિજોરી કચેરીના કર્મચારીઓએ શ્રી સવજીભાઇ પ્રજાપતિની ઓફિસમાં કામ કરવાની આગવી કુનેહ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી તેમને બિરદાવ્યા હતા. 

           શ્રી સવજીભાઇ પ્રજાપતિએ ૧૯૮૨માં ભાવનગર તિજોરી કચેરીથી નોકરીની શરૂઆત કરી છે. તેમણે ભાવનગર ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં સબ ટ્રેઝરી ઓફિસર દિયોદર, જિલ્લા આયોજન કચેરી,પાલનપુર સહિત વિવિધ જગ્યાએ ફરજ બજાવી અન્ય કચેરીઓ સાથે સારુ સંકલન કેળવી તથા સરસ કામગીરી કરીને કર્મચારીઓમાં આદરભર્યુ સ્થાન મેળવ્યું છે અને હવે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ખાતે બઢતી મળતાં તેમના મિત્રોમાં આનંદની લાગણી છવાઇ છે.

          આ પ્રસંગે શ્રી પેટા હિસાબનીશશ્રી પી.જે.રાઠોડ અને શ્રી પી.એચ.પટેલ, નાયબ હિસાબનીશશ્રી વી.એચ.પ્રજાપતિ, શ્રી એ.એચ.પરમાર, શ્રી એસ.પી.ધ્રાંગી સહિત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.