બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના રડોસણ ગામે છેલ્લા કેટલાક દિવસથી પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. ઉનાળાની શરૂઆત થતાં જ મહિલાઓને પાણી માટે દર દર ભટકવાનો વારો આવે છે. ત્યારે ખુલ્લા સંપમાંથી લોકો પાણી ભરવા મજબૂર બન્યા છે.

સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોના વાયરસ નામની મહામારી ચાલી રહી છે. બીજી તરફ ઉનાળાની ઋતુનો પણ પ્રારંભ થઈ જતાં હવે બનાસકાંઠાના સરહદી વિસ્તારોના ગામડાઅોમા પીવાના પાણીની મુશ્કેલી સર્જાવા લાગી છે. જિલ્લાના સરહદી વિસ્તારોના અનેક ગામોમાં પીવાના પાણીની તંગી અંગે અહેવાલો મળી રહ્યા છે. જેમાં આજે સરહદી સુઇગામ તાલુકાના રડોસણ ગામે પીવાના પાણીની સમસ્યા અંગે અહેવાલ પ્રાપ્ત થવા પામ્યો છે. જેમાં રડોસણ ગામના લોકોને પીવાના પાણી માટે ઠેરઠેર ભટકવાનો વારો આવ્યો છે અને ખુલ્લા સંપમાંથી ગામ લોકો પાણી ભરવા મજબૂર બન્યા છે. ગામમાં આવેલ નળ પણ શોભાના ગાંઠિયા સમાન બની જવા પામ્યા છે. ત્યારે પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત એકબીજાને ખૂબ આપીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

બોકસ : ઘરે ઘરે પાણીની વાત કરતી કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવા પોકળ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઉનાળાની ઋતુના પ્રારંભમાં જ પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે. ત્યારે ઘરે ઘરે પાણી આપવાની વાત કરતી કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવા અહીં પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે.

બોકસ : ખુલ્લા સમ્પમાં ઝેરી જાનવર પડે તો ગ્રામજનોને જાનહાનીનો ખતરો

સુઇગામ તાલુકાના રડોસણ ગામના લોકો હાલમાં ખુલ્લા સંપમાંથી પીવાનું પાણી ભરી મજબૂર બન્યા છે. ત્યારે આ ખુલ્લા સમ્પમાં કોઇ ઝેરી જાનવર પડે તો ગ્રામજનોને જાનહાનીનો પણ ખતરો થઈ શકે તેવી ભીતિ છે.

તસ્વીર : અહેવાલ જયંતી મેતિયા, પાલનપુર બનાસકાંઠા