સરહદી પંથકના વિસ્તારોમા કેનાલોમાં ગાબડા પડવાનો સીલસીલો યથાવત છે. અવાર નવાર કેનાલોમાં ભંગાણ થતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આજરોજ વાવના માલસણ માઇનોર કેનાલ-૧ માં  ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે ખેડૂતોની જીવા દોરી ગણાતી કેનાલ હવે માથાનો દુખાવો સમાન બની હોય તેવું લાગી રહ્યું છે. અવાર નવાર કેનાલોમાં ગાબડા પડતા સરકારને અને ખેડૂતોને બંનેને નુકસાન વેઠવું પડે છે. ખેડૂતનું ખેતર ધોવાય છે. અને સરકારની ગ્રાન્ટનું નાણું વપરાય છે. ખેડૂતોના કાળજાના ટુકડા સમાન જમીન ખેડૂતો કેનાલ બનાવવા આપી છે. ખેડુત એવું વિચારતો હતો કે કેનાલ આવશે પાણી પહોંચશે બમણી આવક થશે. પરંતુ આખી છબી બદલાઈ કેનાલો આવી પૂરતું પાણી મળ્યું નહીં. મળ્યું તો કેનાલ તૂટી ઉભો પાક અને ખેતર ધોવાઈ ગયા. ખેડૂતને આવક થઈ નહીં પરંતુ કોન્ટ્રાકટરોને બમણી આવક કેનાલ તૂટે કે રીપેરીંગ પણ એમને જ કરવાનાં બિલ ઉધારવાના હોય છે. બસ ખેડુતોનું જે થવું હોય તે થાય. જ્યારે આજે વાવ તાલુકાના માલસણ માઇનોર-૧ માં અંદાજે પંદરેક ફૂટનું ગાબડું પડતા ખેડૂતનું ખેતર બેટમાં ફેરવાઈ ગયું હતું. ત્રણ એકર જમીનમાં વાવેલો બાજરીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ખેડૂતને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.
અહેવાલ : જયંતિ મેતિયા