જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા બુટલેગરો સામે કાર્યવાહીથી ફફડાટ
બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડાડી રહેલા બુટલેગરો સામે કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમાં છાપી પોલીસ મથક વિસ્તારમાં આવેલા વડગામના મહેંદીપુરા ગામે નાકાબંધી દરમિયાન પોલીસે સ્કોડા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં છાપી પોલીસ મથક વિસ્તારમાં આવેલા વડગામ તાલુકાના મહેદીપુરા ગામે એક કારમાં વિદેશી દારૂ પસાર થવાનો હોવાની માહિતી આધારે એલ.સી.બી ટીમના અેન.એન.પરમાર તેમજ સ્ટાફના દિગ્વિજયસિંહ, મહેશભાઇ, જયપાલસિંહ, ભરતભાઇ, ધેગાજી તથા લક્ષ્મણસિંહ સહિતની ટીમના માણસોએ મહેંદીપુરા ગામે નાકાબંધી કરી હતી. જેમાં નાકાબંધી દરમિયાન પાલનપુર તરફથી એક સ્કોડા ફોબિયા ગાડી આવતા તેને ઉભી રખાવતા અંધારાનો લાભ લઈ વાહન ચાલક ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો. જે ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો રૂપિયા ૯૬ હજારનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ તથા ગાડી સહિત રૂપિયા ૨.૯૬ લાખનો મુદ્દામાલ કબજે લઇ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.