લોકસભા ચૂંટણી 2019: અમરેલી બેઠક પર કોંગ્રેસ ફાવશે કે ભાજપ બેઠક જાળવી રાખશે?

ગમ્યું તો આગળ શેર કરો.

પાટીદારો અને કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે તેવી સંભાવના છે.

કોંગ્રેસનો ગઢ ગણાતી અમરેલી બેઠક પર ભાજપે 1991થી કબ્જો કર્યો છે, 2004માં કોંગ્રેસના વીરજી ઠુમ્મરે આ બેઠક જીતી હતી, ત્યાર પછી છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપના નારણભાઈ કાછડિયા જીતતા આવ્યા છે

વેબ ડેસ્ક/અમદાવાદઃ ગુજરાતની અમરેલી લોકસભા બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. આ બેઠક પર ભાજપે 1991થી કબ્જો કર્યો છે, 2004માં કોંગ્રેસના વીરજી ઠુમ્મરે આ બેઠક જીતી હતી, ત્યાર પછી છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપના નારણભાઈ કાછડિયા જીતતા આવ્યા છે. પાટીદારો અને કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે તેવી સંભાવના છે. ભાજપને બેઠક જાળવવા સંઘર્ષ કરવો પડશે, જ્યારે કોંગ્રેસ બેઠક પાછી મેળવવા માટે મહેનત કરશે.

1962થી 1984 સુધી કોંગ્રેસ પક્ષ આ બેઠક સતત જીતતો આવ્યો છે. 1989માં જનતા દળના મનુભાઈ કોટડિયાએ આ બેઠક પર વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ 1991માં ભાજપના દિલીપ સંઘવીએ આ બેઠક કબ્જે કરી અને 1999 સુધી સળંગ ચાર ટર્મ સુધી તેઓ આ લોકસભા બેઠક જીત્યા હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં દિલીપ સંઘવીને કોંગ્રેસના વીરજી ઠુમ્મરે પરાજય આપ્યો હતો. ત્યાર બાદ છેલ્લી બે ટર્મ એટલે કે 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક ફરીથી કબ્જે કરી લીધી. વર્તમાનમાં અહીં નારણભાઈ કાછડિયા સાંસદ છે. 16 લોકસભામાં નારણભાઈ કાછડિયાએ 90 જેટલી ચર્ચાઓમાં ભાગ લીધો હતો. તેમણે એક ખાનગી બિલ રજૂ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે 16મી લોકસભા દરમિયાન કુલ 565 પ્રશ્નો પુછ્યા હતા.

લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતની 26 બેઠકો, કોણ મારશે બાજી?

અમરેલી લોકસભામાં 7 વિધાનસભાનો સમાવેશ
અમરેલી લોકસભા બેઠકમાં ગુજરાતની 7 વિધાનસભા બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધાર વિધાનસભા બેઠક અમરેલી લોકસભામાં આવે છે. આ બેઠકો પર પાટીદાર અને કોળી સમાજનું સૌથી વધુ પ્રભુત્વ છે. ગયા વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને અમરેલી લોકસભાની 7માંથી 5 બેઠકો મળી હતી, જ્યારે ભાજપે 2 બેઠક પર જ વિજય મેળવ્યો હતો. અમરેલી લોકસભાની ધારી, અમરેલી, સાવરકુંડલા, રાજુલા બેઠક પર કોંગ્રેસે કબ્જો કર્યો હતો, જ્યારે ભાજપને મહુવા અને ગારિયાધારમાં વિજય મળ્યો હતો.

લોકસભા ચૂંટણી 2019: 1989થી ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગર બેઠકનું ચિત્ર

ભાજપ માટે કપરા ચઢાણ
આમ, છેલ્લી વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર નાખીએ તો આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે. અમરેલી વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના પરેશ ધાનાણી હાલ વિરોધ પક્ષના નેતા છે અને આ વિસ્તારમાં તેમનું સારું એવું પ્રભુત્વ છે. આ ઉપરાંત અહીં પાટીદાર ફેક્ટર પણ અસર કરશે. અનામત આંદોલન બાદ પાટીદારો ભાજપ સરકારથી નારાજ ચાલી રહ્યા છે. આ ઉપરાંત, ખેડૂતો પણ પાણી અને ટેકાના ભાવના મુદ્દે જોવા મળતી વિસંગતતાઓ અને મુશ્કેલીઓને કારણે ભાજપ સરકારથી નારાજ ચાલી રહ્યા છે.

લોકસભા ચૂંટણી 2019: ભાજપના ગઢ સમી મહેસાણા બેઠક પર કોનો દબદબો? વર્ચસ્વનો જંગ

અમરેલી લોકસભા બેઠક
ચૂંટણી પંચના 2009ના રેકોર્ડ મુજબ અમરેલીમાં કુલ 13,12,733 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 6,75,038 પુરુષ મતદાર ચે જ્યારે 6,37,695 મહિલા મતદાર છે. અમરેલી જિલ્લાની કુલ વસતી 15 લાખથી વધુની છે. અમરેલીનું મુખ્ય અર્થતંત્ર કૃષિ આધારિત છે. આ ઉપરાંત, અમરેલીના પાટીદારો હીરાના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે.

હાર્દિક પટેલની અમરેલી બેઠક પર નજર
પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો અને નેતા એવો હાર્દિક પટેલ આ વખતે લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. પાટીદાર બહુમતી ધરાવતી અમરેલી બેઠક પરથી હાર્દિક પટેલ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવે એવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, કયા પક્ષ તરફથી ચૂંટણી લડશે અને કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેના અંગે હાલ હાર્દિકે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં અમરેલી લોકસભા બેઠક પર હાર્દિકનું નામ ચર્ચાઈ રહ્યું છે.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો