તા. ૨૬ : શરીરને હમેશાં હેલ્ધી રાખવા માટે ફેફસા યોગ્ય રીતે કામ કરે એ જરૂરી છે અને કોરોના સંકટમાં તો ફેફસાનું ધ્યાન રાખવું સૌથી વધુ જરૂરી થઈ ગયું છે. તો તમારા ફેફસાને હેલ્ધી રાખવા આ ફૂડ્સ ચોક્કસથી ખાઓ.

જો તમારા ફેફસા યોગ્ય રીતે કામ નહીં કરે તો તમારે અસ્થમા, બ્રોન્કાઇટિસ, ન્યૂમોનિયા, ટીબી, કેન્સર જેવા જીવલેણ રોગોનો સામનો કરવો પડી શકે છે. સાથે જ કોરોનાથી બચવા માટે પણ ફેફસાને મજબૂત રાખવા જરૂરી છે કારણ કે આ વાયરસ સીધો ફેફસા પર એટેક કરે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો ચાલો જાણી લો એવા ફૂડ્સ વિશે જે તમારા ફેફસાને મજબૂત બનાવે છે.

હળદર : હળદરમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓકસીડેન્ટ અને એન્ટીઈન્ફલામેન્ટરી ગુણ હોય છે. જે સંક્રમણથી બચાવે છે. રોજ સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવાથી લંગ્સ મજબૂત રહે છે અને ઈમ્યૂનિટી વધે છે.

મધ : આયુર્વેદમાં મધનું ખૂબ જ મહત્વ છે, તેમાં એન્ટીબેકટેરિયલ પ્રોપર્ટી હોય છે. જેથી તેનું સેવન કરવાથી ફેફસા હેલ્ધી રહે છે અને ફેફસામાં રહેલાં વિષાકત પદાર્થો દૂર થઈ જાય છે. સવારે ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પી શકાય છે.

તુલસી : તુલસીના પાનમાં પોટેશિયમ, આયર્ન, કલોરોફિલ, મેગ્નેશિયમ, કેરોટિન અને વિટામિન-સી વધુ પ્રમાણમાં હોય છે જે ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દરરોજ ૪-૫ પાન ચાવીને ખાઈ લો. આ સિવાય તમે ગિલોય અને તુલસીનો ઉકાળો બનાવીને પી શકો છો.

અંજીર : અંજીરમાં ઘણાં ચમત્કારી તત્વો જોવા મળે છે. તેમાં વિટામિન એ, વિટામિન-સી, વિટામિન-કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી લંગ્સ વધુ મજબૂત બને છે. સાથે જ તે હાર્ટને પણ હેલ્ધી રાખે છે.

લસણ : લસણ એન્ટીબાયોટિક, એન્ટીફંગલ, એન્ટીવાયરલ ગુણની સાથે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન જેવા તત્વો હોય છે. જે ફેફસાને મજબૂત રાખવામાં મદદ કરે છે. એક વ્યકિત દરરોજ સવારે ખાલી પેટ પર લસણની ૨-૩ કળીનું સેવન કરી શકે છે. આ સિવાય જો તમને ખૂબ ગરમી લાગે છે, તો પછી લસણની એક કળી રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરો.

Contribute Your Support by Sharing this News: