દોઢ કિલો માંસ મળતા મામલો પ્રકાશમાં આવ્યો કચ્છમાં મોર-ઢેલની હત્યાના બનાવ ચિંતાજનક વધ્યા 

રાપરઃ રાપર તાલુકાના ગેડી ગામે માંસ ભરેલી થેલી મળી આવતા ઢેલની હત્યા થઇ હોવાનું ફલિત થયું હતું, અનૂસુચિ-1 પક્ષીની હત્યા નિપજાવનાર મહિલાને પકડીને વનવિભાગે શુક્રવારે જેલહવાલે કરી દીધી હતી.

ગેડી ગામે ઢેલની હત્યા કરીને તેનું માંસ થેલીઓમાં ભરેલું મળી આવ્યું હતું.મિજબાનીના આશય કે પછી માંસ બહાર વેચવાની પેરવીમાં નિર્દોષ રાષ્ટ્રીય પક્ષીઓની એક મહિલા દ્વારા હત્યા કરાયાની જાણ ગ્રામજનોને થતા સીમાડે આવેલ ખેતરો ગ્રામજનોના ટોળાં એકઠા થયા હતા.ત્યારબાદ આજુબાજુ તપાસ કરતા ઢેલના પીંછા અને માંસ ભરેલી થેલી નજરે પડતા ગ્રામજનોએ રાપર પીઆઇ.જે.એચ.ગઢવી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર આઈ.જે મહેશ્વરીને જાણ કરતાં અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મળતી વિગતો મુજબ રાજીબેન રાયધન કોલી (પારકરા) મોરની હત્યા નિપજાવી રાપર-આણંદ બસમાં આડેસર સુધી નાસી છૂટ્યા હતા,ત્યારબાદ આડેસરથી નંદા વચ્ચેના રણમાં ગયેલ હોવાની બાતમી મળતા ડીસીએફ પ્રવિણસિંહ વિહોલના માર્ગદર્શન હેઠળ વનવિભાગના સ્ટાફ દ્વારા ટિમ બનાવીને બે કિલોમીટર સુધી રણમાં તેનો પીછો કર્યો હતો, શોધખોળના અંતે આરોપી મહિલાને પકડી પાડવામાં આવી હતી.

સાંજ સુધી કોર્ટમાં રજૂ કરી 14 દિવસ ગળપાદર જેલમાં સળિયા પાછળ ધકેલી દેવાઈ હોવાનું આર.એફ.ઓ એ જણાવ્યું હતું.સમગ્ર ઘટનામાં વનવિભાગના ભરતસિંહ વાઘેલા,કે.પી સોલંકી,કાના આહીર,આશા પટેલ અને હેતલ જમોડ સહિતનો સ્ટાફ જોડાયો હતો.અત્રે નોંધનીય છે કે,અબડાસાના નાની બાલાચોડમાં પણ તાજેતરમાં મોરની ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યાં બંદૂક કારતુસ પણ મળ્યા હતા.ત્યારે આ સમગ્ર મામલે વનતંત્ર કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

ગ્રામલોકોનો વધુ માંસ હોવાનો આક્ષેપ ,વનવિભાગે નકાર્યો: ગ્રામજનોના જણાવ્યા મુજબ અંદાજે 10 થી વધુ મોર ના પીંછા ઘટનાસ્થળે ઝાડી- ઝાખરાંમાં પડ્યાં હતાં અને થેલીમાં પણ 3 થી વધુ મોરનું માંસ ભરેલું હતું.જેને કદાચ વન વિભાગ નજર અંદાજ કરવા માંગતું હોય અને આવડા મોટા હત્યા કાંડને છુપાવવાની ક્યાંક કોશિશ કરી રહ્યા હોય તેવુ લાગતા વળગતા લોકોએ જણાવ્યું હતું.જો કે આ અંગે આર.એફઓ મહેશ્વરીએ સ્પષ્ટતા કરી કે માત્ર દોઢ કિલો માંસ જ મળ્યું છે અને અનૂસુચિ-1 નું પક્ષી હોતા વનતંત્ર આ બાબતને ગંભીરતાથી લઇ રહ્યું છે.

ખાણ ખનીજ અને મીઠાઉદ્યોગો થકી વન્યજીવોની હત્યા વધી : રાપર તાલુકામાં શિકાર પ્રવૃતિએ માજા મૂકી હોય તેમ રાત દિવસ શિકારીઓ દ્વારા અવાર નવાર મોર,નીલગાય,સસલાઓ અને તેતર સહિતનાઓનો શિકાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે. જેના પાછળ અભયારણ વિસ્તાર નજીક આવેલા ખનીજની ખાણો અને મીઠાના કારખાનાઓ વધુ જવાબદાર છે.