????????????????????????????????????

ખેડૂતોના ચોમાસુ પાકને બચાવી લેવા આવતીકાલથી ૧૨ હજાર ક્યુસેક
નર્મદાનું પાણી અપાશે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

.. .. .. .. .. ..

આગામી પાંચ દિવસ સુધી આ પાણી અપાશે : શિયાળુ પાક માટે ખેડૂતોની
જરૂરિયાતને ધ્યાને લઇ ૧૫ નવેમ્બરથી સિંચાઇનું પાણી આપવાનું આયોજન

.. .. .. .. .. ..

નાયબ મુખ્યમંત્રીશ્રી અને નર્મદા મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે આજે વધુ એક કિસાનલક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂતોના ચોમાસુ પાકને બચાવવા માટે આવતીકાલથી પાંચ દિવસ માટે એટલે કે, ૩૧ ઓક્ટોબર-૨૦૧૮ સાંજ સુધી દૈનિક ૧૨ હજાર ક્યુસેક નર્મદાનું પાણી છોડવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

શ્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં તથા ઉપરવાસ વરસાદ ઓછો થવાથી સરદાર સરોવર ડેમમાં મર્યાદિત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. છતાંય ખેડૂતોની જરૂરિયાત મુજબ ચોમાસુ પાક માટે સિંચાઇ સુવિધા પૂરી પાડવા પાણી આપ્યું છે પરંતુ ચોમાસુ સીઝન પૂર્ણ થવા આવી છે છતાંય ધારાસભ્યો, ખેડૂતો દ્વારા છેલ્લો પાણ પાણી આપવા રજુઆતો મળી છે તેને ધ્યાને લઇને રાજ્ય સરકારે આ પાણીનો જથ્થો છોડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્ય કેનાલ સહિત માઇનોર કેનાલમાં દૈનિક ૧૨ હજાર ક્યુસેક પાણી છોડાશે જે અંતરિયાળ દૂરના વિસ્તારોમાં પહોંચશે અને ખેડૂતોનો પાક બચશે. હાલ સરદાર સરોવર ડેમમાં જે જથ્થો ઉપલબ્ધ છે તેમાં ૧૨૭.૯૮ મીટરની સપાટી છે અને મધ્યપ્રદેશમાંથી પણ આવક ચાલુ છે. દૈનિક આશરે ૨૧ હજાર ક્યુસેકની આવક છે. અત્યાર સુધી દૈનિક ૬ હજાર ક્યુસક પાણી સિંચાઇ માટે અપાતુ હતું તે હવે આગામી પાંચ દિવસ માટે ૧૨ હજાર ક્યુસેક પાણી છોડાશે જેના કારણે ખેડૂતોનો ઉભો પાક બચશે.

તેમણે ઉમેર્યું કે, શિયાળુ પાક માટે પણ ખેડૂતોને સિંચાઇ માટે પાણી ૧૫મી નવેમ્બરથી ખેડૂતોની જરૂરિયાત અને માંગ મુજબ આપવાનું રાજ્ય સરકારનું આયોજન છે. ખેડૂતો અને કિસાન સંઘો સાથે પરામર્શ ચાલુ છે જો સિંચાઇ માટે ખેડૂતોને પાણીની જરૂરિયાત વહેલી હશે તો તે મુજબ પણ પાણી પૂરુ પાડવામાં આવશે. શિયાળુ પાક માટે પણ પાણીનો પૂરતો જથ્થો નર્મદા ડેમમાં ઉપલબ્ધ છે જ એટલે એ માટે પણ સરકાર જરૂર મુજબ પાણી આપશે એમ તેમણે ઉમેર્યું હતું.

Contribute Your Support by Sharing this News: