માલણ ગામે પોસ્ટ ઓફિસમાં અરજદારોને ધરમ ધક્કા ખવડાવવામાં આવતા હોવાની રાવ

ગમ્યું તો આગળ શેર કરો.
પાલનપુર તાલુકાના માલણ ગામે આવેલી પોસ્ટ ઓફિસમાં વિધવા સહાય તેમજ પેન્શન યોજના હેઠળ નાણાં લેવા જતાં લોકોને આગળથી નાણાં આવ્યા નથી તેમજ સમય પૂરો થઈ ગયો છે તેવા બહાના બતાવી પોસ્ટ ઓફિસના કર્મચારી દ્વારા ધરમ ધકકા ખવડાવવામાં આવતા હોવાની વ્યાપક રાવ ઉઠી છે.
સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી અને લોકડાઉન વચ્ચે પોસ્ટ ઓફિસો દ્વારા વિધવા સહાય યોજના હેઠળ વિધવાઓને ઘરે ઘરે જઈને નાણાં પહોંચાડવામાં આવી રહ્યા છે અને લોકડાઉન વચ્ચે મુશ્કેલી ન સર્જાય તે માટે સરાહનીય કામગીરી પોસ્ટ ઓફિસો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં થઇ રહી છે. ત્યારે પાલનપુર તાલુકાના માલણ ગામે ઉલટી ગંગા જોવા મળી રહી છે. માલણ ગામે આવેલી પોસ્ટ ઓફિસમાં કર્મચારી દ્વારા વિધવાઓને તેમજ પેન્શન લેવા આવતા લોકોને પૈસા આવ્યા નથી તેમજ સમય પતી ગયો છે તેવા બહાના બતાવીને છેલ્લા કેટલાક દિવસથી પોસ્ટ ઓફિસમાં ધરમ ધક્કા ખવડાવવામાં આવતા હોવાની વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠવા પામી છે. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઇ જિલ્લાની હેડ પોસ્ટ ઓફિસના અધિકારી દ્વારા માલણની પોસ્ટ ઓફિસના કર્મચારી સામે પગલાં લઈ આ બાબતે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે પાલનપુર તાલુકાના માલણ ગામે આવેલી પોસ્ટ ઓફિસમાં સપ્તાહમાં અલગ અલગ બે થી ત્રણ કર્મચારીઓ બદલાતા રહેતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે શું માલણની પોસ્ટ ઓફિસમાં અલગ અલગ કર્મચારીઓને પોસ્ટિંગ આપવામા આવ્યું છે કે કેમ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.
અહેવાલ : જયંતિ મેતિયા
ગમ્યું તો આગળ શેર કરો.