મહેસાણા જિલ્લાના ૪.૮૭ લાખ બાળકોને ઓરી-રૂબેલા રસીકરણ કરાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જિલ્લાના  ૪.૮૭  લાખ બાળકોને ઓરી-રૂબેલા રસીકરણ કરાશે

જિલ્લાનાં બાળકોને મિઝલ્સ રૂબેલા રસીથી સુરક્ષિત કરાશે

અકાળે મૃત્યુ,અપંગતા અને જન્મજાત રોગોથી બાળકોને બચાવવા

મીઝલ્સ-રૂબેલા રસીકરણ અભિયાન હાથ ધરાશે

ઓરી અને રૂબેલા રોગના પ્રતિકાર માટે તા. ૧૬ જુલાઇથી રસીકરણના વિરાટ અભિયાનનો પ્રારંભ

૦૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને રસીકરણ અભિયાનમાં આવરી લેવાશે

મહેસાણા

આગામી તા.૧૬ જુલાઇથી સમગ્ર ગુજરાત રાજ્યમાં મિઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાન શરૂ થનાર છે, જે અંતર્ગત મહેસાણા જિલ્લાનાં ૯ માસથી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને મિઝલ્સ રૂબેલાની રસીથી સુરક્ષિત કરવામાં આવશે. મિઝલ્સ(ઓરી) અને રૂબેલા(નુરબીબી) વાઇરસથી થતી બિમારી છે. સમગ્ર ભારત દેશમાં મિઝલ્સ અને રૂબેલાની બિમારીને કારણે કેટલાક બાળકો મૃત્યુ પામે છે અથવા તો જન્મજાત ખોડખાંપણનો ભોગ બને છે. મિઝલ્સને નાબુદ કરવા અને રૂબેલાને નિયંત્રણ કરવા રાષ્ટ્રવ્યાપી MR (મિઝલ્સ રૂબેલા) રસીકરણ ઝુંબેશ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજયમાં તા.૧૬ જુલાઇ ૨૦૧૮ થી MR (મિઝલ્સ રૂબેલા) રસીકરણ અભિયાન શરૂ થનાર છે તેમ જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું..

જે અંતર્ગત ૯ માસથી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને મિઝલ્સ રૂબેલાની રસીનું ઇન્જેકશન આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાનાં બાળકોને આ રસી દરેક સરકારી અને ખાનગી શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને આરોગ્ય કેન્દ્રો ખાતે મુકવામાં આવનાર છે. આ રસી ખુબજ ઉચ્ચ ગુણવતાયુક્ત છે અને તેની કોઇ ગંભીર આડઅસર થતી નથી. વિશેષમાં જો કોઇ બાળકે રસીકરણ અભિયાન અગાઉ પણ MMR અથવા MRની રસી મુકાવેલી હોય તો પણ આ રસીકરણ અભિયાનમાં રસી મુકાવવી જરૂરી છે.

આ સમગ્ર અભિયાન દરમ્યાન તાલીમબધ્ધ આરોગ્ય કાર્યકર દ્વારા જ MRની રસીનું ઇન્જેકશન આપવામાં આવશે. આ રસીકરણ અભિયાન અંતર્ગત કોઇ પણ જાતની અફવા પર ધ્યાન ના આપવું અને જરૂર જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. મહેસાણા જિલ્લાનાં દરેક કુટુંબને પોતાના ૯ માસથી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને આ અભિયાન અંતર્ગત મિઝલ્સ રૂબેલાની રસીથી રક્ષિત કરી  અભિયાનને સફળ બનાવવા જિલ્લા કલેકટર એચ.કે.પટેલે અનુરોધ કર્યો છે.

ઓરી અને રૂબેલા રોગથી બાળકોને બચાવી લેવા આગામી તા.૧૬ જુલાઇથી સરકારશ્રી દ્વારા એક વિરાટ અભિયાન હાથ ધરવામાં આવશે. મહેસાણા ૯ માસથી ૧૫ વર્ષ સુધીના આશરે ૪,૮૭,૪૪૦ બાળકોને કેમ્પેઇનના રૂપમાં રસીકરણથી આવરી લેવાશે. જિલ્લાના તમામ બાળકોને આવરી લેવાય તે માટે જિ. પંચાયત મહેસાણાની આરોગ્યે શાખા દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું  છે. આ અભિયાનમાં સરકારશ્રી દ્વારા શિક્ષણ, આરોગ્ય અને આઇસીડીએસ વિભાગને સાંકળી લેવામાં આવ્યા  છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકોની જાગૃતિ માટે વાલીઓ અને ગામ આગેવાનો સાથે મીટીંગ કરવામાં આવી છે. ઉપરાંત શાળાના શિક્ષકો, આંગણવાડી કાર્યકર બહેનો, આશા બહેનો તથા આરોગ્યનો તમામ સ્ટાફ આ કામગીરીમાં જોડાશે.ઓરી એક જીવલેણ રોગ છે જે વાઇરસ દ્વારા ફેલાય છે.બાળકોમાં ઓરીને લીધે વિકલાંગતા અને અકાળે મૃત્યુ પણ થઇ શકે છે.

રૂબેલા એક ચેપી રોગ છે. જે વાઇરસ દ્વાર ફેલાય છે. તેના લક્ષણ ઓરી રોગ જેવા હોઇ શકે છે. તે છોકરો અને છોકરી બંનેને ચેપગ્રસ્ત બનાવી શકે છે. જો કોઇ સ્ત્રી ગર્ભાવસ્થાના આંરભિક તબક્કામાં તેનાથી ચેપગ્રસ્ત બને તો કંજેનિટલ રૂબેલા સિન્ડ્રોમ (સી.આર.એસ.) થઇ શકે છે. જે તેના ગર્ભ અને નવજાત શીશુ માટે ઘાતક સાબિત થઇ શકે છે.

આ રોગથી બચવા માટે સરકાર દ્વારા મહાઅભિયાન શરૂ કરાયુ્ં છે.આ અભિયાન દરમિયાન  ૯ થી ૧૫ વર્ષની ઉંમર ધરાવતા તમામ બાળકોને આ રસી જરૂર અપાવવી જોઇએ. તમામ શાળાઓ, આઉટરીચ સેશનો, આંગણવાડી કેન્દ્રો અને સરકારી દવાખાનામાં  આ રસી મુકવામાં આવશે. જો કોઇ બાળકને એમ.આર./એમ.એમ.આર.ની રસી અગાઉ મુકી દેવામાં આવી હોય તો પણ તેને આ રસી મુકાવો. ઓરી-રૂબેલાની રસી સંપર્ણપણે સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર થતી નથી. બાળકોને આ રસી યોગ્ય લાયકાત ધરાવતા આરોગ્ય કાર્યકર દ્વારા આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે આપના નજીકની આરોગ્ય કાર્યકર આશા અને આંગણવાડી  વર્કર બહેનોનો સંપર્ક કરવાનો રહશે.આ રસીકરણ અભિયાનમાં જિલ્લામાં ૫,૪૧,૦૫૮ એમ.આર.સી ડોઝની જરૂરીયાત છે.જેમાં ૩૨૭ ટીમમાં ૧૦૯ સુપરવાઇઝરો,૨૯૧૬ વેકસીન કેરીયર,૧૧૨ કોલ્ડ બોક્સ,૧૬૭૯૭ આઇસ પેકસની જરૂરીયાત છે.

બાળકોને આવા આરોગ્ય સંકટોથી મુક્ત રાખવા માતાપિતા અને વાલીઓ આ અભિયાનમાં સહયોગ આપે અને પોતાના બાળકોના અચૂક રસીકરણની કાળજી લે એ ઇચ્છનીય છે.
ઉલ્લેખનીય છે કે સન ૨૦૨૦ મીઝલ્સને નાબૂદ કરવાના સંકલ્પ સાથે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ૧૪ રાજ્યોમાં રસીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. દેશમાં સાડા આઠ કરોડથી વધુ બાળકોને રસીઓ આપવામાં આવી છે. ૯૦ ટકા જેટલુ કવરેજ સફળતાપૂર્વક કરી શકાયું છે.

 

રસીકરણના એકાદ સપ્તાહ પછી બાળકને સામાન્ય તાવ આવવા જેવી આડઅસર ક્યારેક જોવા મળે છે. તેની સારવાર નિયંત્રણ માટેની કીટસ પણ બનાવવામાં આવી છે. તબીબી કર્મચારીઓ દ્વારા રસીકરણની કામગીરી કરવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રોગ પ્રતિકારકશક્તિ ધરાવતી બાળપેઢીના હિતમાં આ રસી બાળકોને મૂકાવી લેવા અને અભિયાનમાં સહયોગ આપવા માતાપિતાને પૂરતી કાળજી લેવા અપીલ કરી છે. જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનના વર્કશોપનું આયોજન કરાયું હતું.જેમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ટી.કે.સોની,આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુંભાઇ પટેલ સહિત જિલ્લાના પત્રકારશ્રીઓ,સામાજિક સંસ્થાઓ.ધાર્મિક સંસ્થાઓ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

શેર કરવા અહીં ક્લિક કરો.