ગુજરાતમાં કોરોના કેર તો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે હવે કોરોનાએ ગામડાઓમાં પ્રવેશ કરી લીધો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે મહેસાણામાં સનસનીખેજ રીતે કોરોના વાઇરસથી સંક્રમિત ૬ કેસ ફરીથી નોંધાતાં હડકંપ મચી જવા પામ્યો છે. મહેસાણા જિલ્લામાં કોરોનાના ૬ કેસમાં બહુચરાજીમાં ૩, કડીમાં બે, વિજાપુરમાં એક કેસ સામે આવ્યા છે. આજે ખાસ વાત તો એવી છે કે આજ સુધી જે જગ્યાએ કોરોનાએ પ્રવેશ કર્યો નહોતો એવી જગ્યાએ કોરોના વાઇરસના કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં પહેલી વખત કોરોનાના એકસાથે ૩ કેસ નોંધાયા છે.

સોમવારે મહેસાણા જિલ્લાના અનેક નાના-મોટા તાલુકાઓમાં શંકાસ્પદ ૬૨ દરદીઓના કોરોના શંકાસ્પદના સૅમ્પલ લેવાયા હતા જે પૈકી ૬ પૉઝિટિવ સૅમ્પલ આવ્યા છે જ્યારે ૫૩ નેગેટિવ આવ્યા છે. આજે કચ્છના ભચાઉમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. ભચાઉના જસડા ગામના માણસને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. ભચાઉમાં જે વ્યક્તિને કોરોના પૉઝિટિવ આવ્યો છે તે યુવક પર બે દિવસ અગાઉ ફાયરિંગ થયું હતું. ફાયરિંગ થતાં યુવકને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અમદાવાદમાં કોરોનાના સૅમ્પલ લેવાતાં યુવક પૉઝિટિવ નીકળ્યો હતો. ભાવનગરમાં પણ આજે કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે. ભાવનગરના સંજરી પાર્કમાં એક બાળક સહિત બે જણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

Contribute Your Support by Sharing this News: