ભાજપે 2019 માટે કાશ્મીરથી “રાષ્ટ્રવાદ”નો નારો લગાવ્યો….?

શેર કરવા અહીં ક્લિક કરો.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે જમ્મુ-કાશ્મીર મામલે જમ્મુ-કાશ્મીરના ભાજપના નેતાઓ સાથે મળીને PDP સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી છે. આ મહત્વનો નિર્ણય લેતા પહેલાં અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અતિજ ડોભાલ સાથે ચર્ચા-વિચારણાં કરી હતી. ભાજપ-પીડીપીનું ગઠબંધન સરેરાશ 3 વર્ષ જેવુ ચાલ્યું છે. પરંતુ આ દરમિયાન ભાજપ અને પીડીપીની નીતિ અને વિચારધારા ક્યારેય એક થઈ શકી નથી. આ ગઠબંધનને પહેલેથી જ કજોડુ માનવામાં આવતું હતું.
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે મહેબુબા મુફ્તીના પીપલ્સ ડેમોક્રેટીક ફ્રન્ટ(પીડીપી)ને ૨૮ બેઠક મળી હતી. જ્યારે બીજા ક્રમે ભાજપને ૨૫ બેઠક સાંપડી હતી. ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ ૧૫ અને કોંગ્રેસે ૧૨ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. બાકીની બેઠકમાં સીપીએમ(એમ) ૦૧, અપક્ષ ૦૩ અને બે પક્ષોને એક-એક સીટ પ્રાપ્ત થઈ હતી.
વિધાનસભા ચૂંટણીના પરિણામોની રસપ્રદ બાબત એ હતી કે, પીડીપીને વેલીપ્રદેશના કટ્ટર અલગાવવાદી જૂથોનું સમર્થન હતું. એટલે જ પીડીપીને કાશ્મીર વેલી ક્ષેત્રમાંથી જ મોટા ભાગની બેઠકો મળી હતી, જે ભાજપ વિરોધ જનાધારનું પ્રતિબિંબ હતી. બીજી તરફ ભાજપને જમ્મુ અને લડાખ રિજિયોનમાંથી ભારે સમર્થન પ્રાપ્ત થયું હતું, જે અલગાવવાદી વિચારધારના વિરોધમાં મત સાંપડ્યા હતાં. આમ, પીડીપી અને ભાજપની વિચારધારામાં ૧૦૦ટકા વિરાધાભાસ છે, તેમ છતાં શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન કૌંસમાં મૂકીને ભાજપે પીડીપીને ટેકો આપવાનું નક્કી કર્યું અને જમ્મુ-કાશ્મીરમાં એક અનૈતિક ગઠબંધનની સરકાર ૨૦૧૪માં રચાઈ હતી.
કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવી એ જનસંઘ-ભાજપ-આર.એસ.એસ.નો એજન્ડા રહ્યો છે. બીજી તરફ કાશ્મીરની કલમ-૩૭૦ અંગે પીડીપી ભારતના બંધારણે જે જોગવાઈ કરી છે, તેને વળગી રહેવા મક્કમ છે. આમ, ભાજપ અને પીડીપીની વિચારધારામાં રાત-દિવસનો ફર્ક જોવા મળી રહ્યો છે.
પીડીપીના મહેબુબા મુફ્તિના કાશ્મીરવાદ સામે ભાજપે રાષ્ટ્રવાદનું શસ્ત્ર ૨૦૧૯ની ચૂંટણી પહેલાં ઉગામ્યું છે. હવે, કાશ્મીરમાં પીડીપી સાથેના અનૈતિક સંબંધો તોડવાની પહેલ ભાજપે કરી છે, ત્યારે ભાજપ તેને કયા રંગ આપે છે, એ જોવું રહ્યું.
જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2015માં બીજેપી અને પીડીપીના ગઠબંધનની સરકાર બની હતી. ગઠબંધન પછી મુફ્તી મોહમ્મદ સઈદને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે ડેપ્યૂટી સીએમ બીજેપીના બનાવવામાં આવ્યા હતા.
મુફ્તી મોહમ્મદ સઈદે 1 માર્ચ 2015ના રોજ જમ્મુ-કાશ્મીરના 12માં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. 7 જાન્યુઆરી 2016ના રોજ તેમનું નિધન થઈ ગયું હતું. જ્યારે સઈદનું નિધન થયું ત્યારે તેઓ મુખ્યમંત્રી હતા.
જમ્મુ-કાશ્મીરમાં મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદના અચાનક નિધનથી રાજ્યમાં બંધારણીય સંકટ ઉભુ થયું હતું. સઈદના નિધન પછી અંદાજે અઢી મહિના સુધી સરકારના ગઠન વિશે ખેંચતાણ ચાલી હતી. ત્યારપછી પીડીપી-બીજેપી ગઠબંધનની સરકાર બનાવવા માટે તૈયાર થઈ ગઈ હતી. અઢી મહિના પછી 4 માર્ચ 2016માં મહેબુબા મુફ્તી જમ્મુ- કાશ્મીરના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે ઉપમુખ્યમંત્રી બીજેપીના ધારાસભ્ય નિર્મલ સિંહને બનાવવામાં આવ્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં 87માંથી પીડીપી 28, જ્યારે બીજેપી 25 સીટ જીતી હતી. એનસી અને કોંગ્રેસને ક્રમશ: 15 અને 12 સીટ પર જીત મળી હતી. ચૂંટણી પરિણામ આવ્યા પછી જ સરકારના ગઠબંધન વિશે ખેંચતાણ ચાલી રહી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.