જૂનાગઢ : જૂનાગઢ મિની કુંભ મેળાનો આવતીકાલે પ્રારંભ થવાનો છે. મેળાના પ્રારંભ પૂર્વે ભવનાથ મંદિરમાં અધિકારીઓની મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં જિલ્લા કલેક્ટર, વન વિભાગના અધિકારી, યાત્રા ધામ વિકાસ બોર્ડના પધાધિકારી સહિત અખાડાના સાધુ સંતો હાજર રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાને લઇને આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. આવતીકાલથી 7 દિવસ સુધી આ મેળો ચાલશે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમેટશે. ત્યારે આ વર્ષે જુનાગઢના મેળામાં ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે.

સાદાઈથી નીકળશે નાગા સાધુઓની રવેડી
શિવરાત્રીના કુંભમેળાને લઈને યોજાયેલી અંતિમ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, રવેડી દરમિયાન બેન્ડવાજા નહિ વગાડવામાં આવે. આ ઉપરાંત રવેડીમાં હાથી, ઘોડા પણ નહીં રાખવામાં આવે. બહુ જ સાદાઈથી નાગાસાધુઓની રવેડી કાઢવામાં આવશે. તો અન્ય તમામ કાર્યક્રમો રાબેતામુજબ ચાલશે.

સાધુ-સંતોની મળનારી દક્ષિણા પુલવામાના શહીદોને દાન કરાશે
જૂનાગઢના શિવ કુંભ મેળામાં અખાડા પરિષદની બેઠકમાં ગઈકાલે મહત્વનો નિર્ણય લેવાયો હતો. અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી હરિગીરીજી મહારાજના સાનિધ્યમાં બેઠક યોજાઈ હતી. જેમાં નક્કી કરાયું હતું કે, સાધુ સંતોને મળનારી દાન દક્ષિણાની તમામ ધન રાશિ પુલવામાના શહીદોના પરિવારને અર્પણ કરાશે. તો ગિરનારના રાષ્ટ્રવાદી સંત ઈન્દ્રભારતી બાપુના પ્રસ્તાવ પર સંતોએ મહોર મારી હતી. મહામંડેશ્વર ભરતીબાપુ, મહામંડેશ્વર મહેન્દ્રનંદગીરીજી મહારાજ અને તનસુખગિરિજી મહારાજે પણ આ બાબતને સમર્થન આપ્યું હતું.

Contribute Your Support by Sharing this News: