બ્રાઝીલના નાના એવા ટાપુ ફર્નાડો ડિ નોરોના પર 12 વર્ષમાં પહેલી વખત કોઇ બાળકનો જન્મ થયો છે. જો કે 3000 લોકોની વસ્તીવાળા આ ટાપુ પર કોઇ બાળકને જન્મ આપવા પર પ્રતિબંધ હતો કારણ કે અહીં કોઇ પ્રસુતિ કેન્દ્ર નહોતું. આ સિવાય અહીં દુર્લભ પ્રાણીઓનો વસવાટ હોવાના કારણોસર પર્યાવરણને નુકસાન ન પહોંતે તે માટે પણ જન સંખ્યાને લઇને અહીં કડક કાયદાઓ છે. આ ટાપુ પર જો કોઇ મહિલા મા બનવા માગતી હોય તો તેણે આ ટાપુ છોડીને અહીંથી 370 કિલોમીટર દૂર જમીન પર વસેલા શહેરમાં જવું પડે છે. આ નિયમને તોડનાર 22 વર્ષની મહિલાનો દાવો છે કે તેને તે ગર્ભવતી છે તેની જાણકારી નહોતી. જેના કારણે જ્યારે ઘરના શૌચાલયમાં બાળકનો જન્મ થયો ત્યારે તે આશ્વર્યચકિત થઇ ગઇ હતી. આ પહેલા પણ આ મહિલા મા બની ચુકી છે જ્યારે તેણે ટાપુ છોડીને દૂર જવું પડ્યું હતુ. બાળકના જન્મ બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તંત્ર દ્વારા બાળકના જન્મની પુષ્ટિ કરવામાં આવી. એક દાયકા કરતાં પણ વધુ સમય બાદ ટાપુ પર કોઇ બાળકનો જન્મ થયો જેને લઇને સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. લોકો હવે આ પરિવાર માટે મદદ મેળવવામાં લાગી ગયા છે. અને ઘણાખરા લોકો બાળક માટે કપડા અને રમકડાં જેવી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપી રહ્યા છે. બ્રાઝીલનું ફર્નાડો ડિ નોરોના ઘણા દૂર્લભ પ્રાણીઓનું ઘર છે. દેશનું સૌથી લોકપ્રિય સમુદ્રી ઉદ્યાન અહીં આવેલું છે. અહીં ડોલ્ફીન, હોક્સબિલ કાચબા અને વ્હેલ સિવાય અન્ય દૂર્લભ પક્ષીઓ જોવા મળે છે. યુનેસ્કોએ પણ આ ટાપુને વર્લ્ડ હેરીટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. આ ટાપુ પ્રવાસીઓમાં પણ ઘણો લોકપ્રિય છે. આ માટે બ્રાઝીલના અન્ય શહેરોની સરખામણીએ અહીં રહેવું મોંધું છે. આ ટાપુ પર પ્રવાસીઓની સંખ્યા બાબતે પણ નિયંત્રણ રાખવા માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે.

Contribute Your Support by Sharing this News: