બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગે અધધધ.. રૂપિયા 62.57 કરોડ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા

ગમ્યું તો આગળ શેર કરો.
ગત વર્ષની સરખામણીમાં રૂપિયા મહેસુલી આવક- દંડકીય વસુલાતમાં 15.77 કરોડનો વધારો
બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીએ વર્ષ 2018-19માં ગેરકાયદે રેતી ખનન, ખનીજની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરી તેમજ લીઝોના ખનીજ વહિવટ, ચેકીંગ સહિતની કામગીરી કરી અધધધ રૂપિયા 62.57 કરોડ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે.
બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગે વર્ષ 2018-19માં મોટી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી છે. જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીએ જ્યારે જિલ્લામાં ચાર્જ સંભાળ્યો તેના પ્રથમ દિૃવસથી જ ગેરકાયદે રેતી ખનન, ખનીજની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરી તેમજ લીઝોના ખનીજ વહિવટ, ચેકીંગ સહિતની કામગીરી શરૂ કરી હતી. જેમાં વર્ષના અંતે કુલ રૂપિયા 62.57 કરોડ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે. આ અંગે ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે બિલ્ડીગસ્ટોન, લાઇમસ્ટોન, માર્બલ, કવાર્ટઝાઇટ, હાર્ડ મોરમ, સાદી રેતી, સાદી માટી, ગ્રેનાઇટ વગેરે ખનિજો મળી આવે છે. આ ખનીજ ચોરી અટકાવવા માટે લેવામાં આવેલા અસરકારક પગલાને પરિણામે મહેસુલી આવક તેમજ દંડકીય આવકમાં ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષ દરમિયાન નોંધપાત્ર વધારો થયેલ છે. આ ઉપરાંત આગામી નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન સાદીરેતી, ગ્રેનાઇટ વિગેરે ખનિજોના બ્લોક તૈયાર કરી ઇ- ઓકશનથી લીઝો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. જેનાથી સરકારની મહેસુલી આવકમાં વધારો થવાની સંભાવના રહેલી છે.
બોક્ષ: મહેસુલી આવક
વર્ષ 2018-19 દરમિયાન ખનીજ ચોરી અટકાવવા માટે લેવામાં આવેલા અસરકારક પગલાના પરિણામે કુલ મહેસુલી અંદાજીત આવક રૂપિયા 60,50,57,000 થવા પામી છે. ગત વર્ષ 2017-18 દરમિયાન કુલ મહેસુલી આવક રૂપિયા 47,39,00,002 થવા પામી હતી. જેની સામે ચાલુ વર્ષે રૂપિયા 13,11,55,000ની માતબર રકમનો વધારો થયો છે.
બોક્ષ: દંડકીય વસુલાત
બનાસકાંઠા જીલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે સૌ પ્રથમવાર ડ્રોન સર્વેલન્સ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જીલ્લામાં આકસ્મિક ચેકીંગ દરમિયાન વર્ષ 2018-19માં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના કુલ 259 કેસો પકડી રૂપિયા 4,72,72,000ની દંડકીય વસુલાત કરવામાં આવી હતી. ગત વર્ષે 2017-18માં 214 કેસ પકડી રૂપિયા 2,06,82,000ની વસુલાત કરવામાં આવી હતી. આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ દરમિયાન દંડકીય આવકમાં રૂપિયા 2,65,90,000નો વધારો થયો છે.
ગમ્યું તો આગળ શેર કરો.