બનાસકાંઠા જિલ્લાના ડીસા લાટી બજાર રોડ પરથી વાનમાંથી બીડીના કાર્ટુન ઝડપાયા

ગમ્યું તો આગળ શેર કરો.
બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન વચ્ચે પ્રતિબંધિત ચીજ વસ્તુઓની હેરાફેરી સામે પોલીસે કડક વલણ દાખવ્યું છે. ત્યારે ડીસા દક્ષિણ પોલીસની હદમાં લાટી બજાર રોડ પર પોલીસના ચેકિંગ દરમિયાન એક વાનમાંથી બીડીના કાર્ટુન ઝડપાઇ જવા પામ્યા છે.
સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન દરમિયાન કેટલીક ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તેમાં પાન મસાલા અને બીડી, ગુટકા, તમાકુ પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકી દેતા બંધાણીઓને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ઉપરોક્ત ચીજ વસ્તુઓના બંધાણીઓ ચાર ગણા ભાવ આપીને પણ આ ચીજ વસ્તુઓ મેળવવા માટે આમથી તેમ ફાંફા મારતા હોય છે. ત્યારે લોકોની માંગ પૂરી કરવા માટે કેટલાક વેપારીઓ ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત ચીજ વસ્તુઓની હેરાફેરી કરીને તમાકુ, બીડી અને ગુટખા સહિતની પ્રતિબંધીત ચીજ વસ્તુઓના ચાર ગણા ભાવ લઇ લોક ડાઉનની કપરી પરિસ્થિતિ વચ્ચે નફો રળી રહ્યા છે. જેમાં પોલીસ દ્વારા આવી પ્રતિબંધિત ચીજ વસ્તુઓના સામાનની હેરાફેરી સામે કડક વલણ દાખવી ખાસ ચેકિંગ ચાલી રહ્યું છે. જેમાં ડીસા દક્ષિણ પોલીસની હદમાંથી પોલીસ ચેકિંગ દરમિયાન લાઠી બજાર રોડ પર એક વાન ગાડીમાંથી બીડીના કાર્ટુન ઝડપાઇ જવા પામ્યા હતા. પોલીસે મારૂતિવાન વાન ગાડી સાથે બીડીના કાર્ટુન ઝબ્બે કરી ડીસા દક્ષિણ પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : જયંતિ મેતિયા
ગમ્યું તો આગળ શેર કરો.