બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે એક જ્વેલર્સને વેપારીનું અપહરણ કરી લૂંટ કરી તેની પાસે રૂપિયા ૧ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જે કિસ્સામાં પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં આ કેસના ત્રણ આરોપીઓને દબોચી લઇ તેમની પાસેથી લૂંટમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ, ધાડ અને હત્યા જેવા બનાવો જાણે સામાન્ય બની ગયા હોય તેમ આરોપીઓ એક બાદ એક ગુનાઓને જેમ આપી રહ્યા છે. ઉપરોક્ત બનાવમાં થરાદ ખાતે ચંદ્રકાંત પ્રભુભાઇ સોની ઉર્ફે સી.પી.ચોકસી વાળા નામના વેપારીનું અજાણ્યા ઇસમોઅે ગત ૧૧ જુલાઈના રોજ સ્વિફ્ટ ગાડીમાં થરાદ હાઇવે રોડ પરથી અપહરણ કરી અજાણી જગ્યાએ લઇ જઇ તેમની પાસે બે સોનાની ચેન રૂ.૧.૮૫ લાખની છરીની અણીએ લૂંટ કરી હતી અને રૂપિયા એક કરોડની ખંડણી માંગવામાં આવી હતી અને બે દિવસ બાદ ખંડણીની રકમ ચૂકવી દેવા જણાવી વેપારીને હાઇવે રોડ થરાદ ખાતે છોડી દેવામાં આવ્યા હતા. દરમિયાન વેપારી ગભરાઈ ગયેલ હોય તેઓએ આ બાબતની જાણ કોઈને કરી ન હતી. દરમિયાન ૧૪ જુલાઇના રોજ ખંડણીખોરે ફોન કરી એક કરોડની ખંડણી માગતા વેપારી આ બાબતે તેમના પિતાને જાણ કરતાં પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. આથી એલ.સી.બી પી.આઇ હાર્દિકસિહ પરમાર સહિતની ટીમે આ બાબતે તપાસ હાથ ધરી હતી.જેમાં ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આંગડિયાની હવાલા ટ્રેપ ગોઠવી ભાભર ખાતે હવાલો લેવા આવેલા આ ખંડણીખોરો પૈકી વણાજી ગણેશજી ગોહિલ રહે.વાવ,  રમેશભાઇ શંકરજી ગોહિલ રહે.ખીમાણા પાદર તથા વણાભાઇ રૂડાજી સોલંકી રહે.ચાંદરવા,તા.વાવ વાળાને ઝડપી લીધા હતા. આરોપીઓ પૈકી ખંડણી માંગનાર આરોપી વણાજી ગણેશજી ગોહિલનું લોકેશન સાંચોર આવતું હોય ત્યારબાદ સાંચોરનુ ગરડાલી તેમજ વાઘાસણ, દૂધવા, વજેગઢ કોતરવાડાથી ભાભર આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ તેમજ સાંયોગિક પુરાવા એકત્ર કરી લૂંટનો મુદ્દામાલ કબજે લીધો છે. આમ, થરાદના જ્વેલર્સના વેપારીનું ગાડીમાં અપહરણ કરી ખંડણી માંગનાર ત્રણ આરોપીઓને એલસીબીની ટીમે દબોચી લીધા છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: