વડોદરાઃ વડોદરા શહેર પોલીસ કમિશનરે બહાર પાડેલા ઓવર સ્પીડના જાહેરનામાના અમલના ગણતરીના કલાકોમાં જ અકોડા-દાંડિયા બજાર બ્રિજ પર સોમવારે મોડી રાત્રે 110 કિ.મી. સ્પીડે પસાર થઇ રહેલી ઔડી ક્યુ-3 સેફ્ટી વોલ સાથે અથડાઇ હતી. જેમાં કાર ચાલકે બાઇક સવારને બચાવવા જતાં કારના સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ કમિશનરના જાહેરનામાની ઐસીતૈસી: ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેરમાં વાહન ચાલકોએ 40 કિ.મી.ની ઝડપ કરતા વધુ ઝડપે વાહન ચલાવવું નહીં તેવું જાહેરનામુ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. અને આ જાહેરનામાનો અમલ પહેલી જુલાઇથી અમલ શરૂ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પોલીસ કમિશનરના જાહેરનામાની ઐસીતૈસી કરતી ઘટના જાહેરનામાના અમલના દિવસે જ સામે આવી હતી. પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી પણ માંગ ઉઠી રહી છે.

પોલીસ ફરિયાદ નોંધાઇ નથી: ઔડી કાર બ્રિજની સેફ્ટી વોલ સાથે અથડાતા કારના બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અને કારની એર બેગ પણ ખૂલી ગઇ હતી. જેથી કાર ચાલકને માત્ર સામાન્ય ઇજા જ પહોંચી હતી. જોકે, આસપાસના લોકો એકઠા થાય તે પહેલાં જ કાર ચાલક સ્થળ પર કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. રસ્તામાં બે કૂતરા આવી ગયા હતા અને એક બાઇક ચાલક પસાર થતાં તેને કાર ચાલક બચાવવા જતા આ ઘટના બની હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અકોટા-દાંડિયા બજાર બ્રિજ ઉપર બનેલી આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.