“પાલનપુર ખાતે યોજાનાર રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષી કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.”

શેર કરવા અહીં ક્લિક કરો.

 આગામી તા.૨૬ જાન્‍યુઆરી-૨૦૧૯ના રોજ રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્‍ટ્રીય મહાપર્વની ઉજવણી ભારે હર્ષ અને રાષ્‍ટ્રપ્રેમના માહોલમાં યોજાય તેના આયોજન માટે પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરશ્રીએ રાજયકક્ષાના કાર્યક્રમની ઉજવણીને અનુલક્ષી અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન અને જરૂરી સુચનાઓ આપી હતી.

         કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીને લક્ષ્‍યમાં લઇ વિકાસકામોનું ખાતમૂર્હત અને લોકાર્પણ, બી.એસ.એફ. અને પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શન, શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ અને સાફસફાઇ કરાવવી, ભીંતચિત્રો, જિલ્લાના શિલ્પ સ્થાપત્યોની કેનવાસ સ્પર્ધા, ડાયરો અને મુશાયરો, શહેરને રોશનીથી શણગારવું જેવી વિવિધ કામગીરી કરીને પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીનું સચારૂ આયોજન ગોઠવવામાં આવ્યું છે અને તે પ્રમાણે તમામ વિભાગોએ પોતાની કામીગીર શરૂ કરી દીધી છે. જિલ્લામાં જે વિભાગો દ્વારા વિકાસકામો પૂર્ણ કરવામાં આવ્યા છે તેવા કામોનું લોકાર્પણ અને જે વિકાસકામોને તાંત્રિક મંજુરી મળી ગઇ હોય તેવા કામોનું ખાતમૂર્હત કરવામાં આવશે. કલેકટરશ્રીએ કહ્યું કે બનાસકાંઠા જિલ્લા માટે આ બહુ મોટો અવસર છે ત્યારે બધા જ વિભાગના અધિકારીઓ એક ટીમ બની આ રાષ્‍ટ્રીય તહેવારને ધામધૂમથી ઉજવવામાં સુંદર કામગીરી કરશે.

         બનાસકાંઠા જિલ્લાની તમામ કચેરીઓમાં પણ રોશની અને શણગાર કરવામાં આવશે તેમજ સ્‍વચ્‍છતા ઝુંબેશ દ્વારા જિલ્‍લાભરમાં સફાઇ કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્‍યાએ તા. ૨૫ જાન્‍યુઆરીના એટ હોમ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજયપાલશ્રી ઓ.પી. કોહલી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જિલ્લાના નાગરિકો સાથે શુભેચ્છા આપ-લે કરશે. તા. ૨૬ જાન્‍યુઆરીના રોજ યોજાનાર કાર્યક્રમ વિશે કલેકટરશ્રીએ અધિકારીઓ સાથે વિસ્‍તૃત સમીક્ષા કરી હતી. બેઠકમાં પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપ સેજુલ, નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયા, પ્રાન્‍ત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં

શેર કરવા અહીં ક્લિક કરો.