પાટીદાર મહિલાઓ હવે રીવાબાને પુછશે…તુમ્હારા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની….?

શેર કરવા અહીં ક્લિક કરો.

હમણાં જામનગરમાં એક બનાવ બન્યો. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા કાર લઇને નિકળ્યા અને આગળ જતી એક બાઇક સાથે અથડાઇ ગઇ. વાંક કોનો એ બહાર આવ્યું નથી પણ વાંક ચોક્કપણે રીવાબાનો હશે કેમ કે પેલા બાઇક ચાલકે તરત જ કાર ચલાવનાર મહિલા સાથે માથાકૂટ કરી. હુમલો કર્યો અને તેની સાથે વણછાજતું વર્તન કર્યું. પછી બહાર આવ્યું કે બાઇક ચાલક તો પોલીસવાળો છે. તેની આવી હિંમત..? એક ક્રિકેટરની પત્ની સાથે આવું વર્તન..? ના ચાલે. વાત પહોંચી પોલીસ ભવન અને ગૃહ વિભાગ સુધી. તાત્કાલિક પેલો પોલીસવાળો સસ્પેન્ડ. નિવેદન આવ્યું (ઘેરા અવાજમાં)- મહિલાઓ સાથે પોલીસ સન્માનપૂર્વક વર્તે. ખૂબ સરસ. સારી વાત કરી તેમણે. મહિલાઓનું સન્માન જળવાવવું જોઇએ પછી તે રીવાબા હોય કે ઉંઝા કે નિકોલ-રામોલમાં રહેતી પાટીદાર સમાજની રેવાબા. બન્નેનું માન-સન્માન સરખું.
હવે અહીંથી એમ કહેવાય કે જેટલી ચિંતા રીવાબાની લેવાઇ એટલી ચિંતા એ પાટીદાર મહિલાઓની લેવાઇ..? કે જેમને અનામત આંદોલન વખતે પોલીસે ઘરમાં ઘૂસીને મારી હતી..? કેટલાકને આ નહીં ગમે. કારણ કે પાટીદાર મહિલાઓ કોઇ ક્રિકેટરની પત્ની નથી. એટલે તેના માન સન્માનની ક્યાં વાત કરો છો…? સવાલ સરળ. જવાબ પણ સરળ. પરંતુ જો સમાન નજરોથી જોવામાં આવે તો. પાટીદાર અગ્રણીઓએ રજૂઆતો કરી પણ કોઇ પગલા ના લેવાયા તે વખતે. અને હવે પૂજ પંચ સમક્ષ પોલીસ અત્યાચારના વિડિયો રજૂ થશે. એ વખતે પણ માધ્યમોમાં દર્શાવાયું હતું કે પોલીસે કઇ રીતે માર્યા, વાહનો તોડ્યા અને એવું બધુ. પણ તેઓ પાટીદાર હતી કે હતા. કોઇ રીવાબા નહોતા કે ગૃહ વિભાગ તરત જ આદેશ બહાર પાડે કે મહિલાઓ સાથે સન્માનપૂર્વક વર્તે પોલીસ…!
શું સરસ ડાયલોગ છે ફિલ્મ યહુદીનું-તુમ્હારા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની….? મહિલા એટલે મહિલા પછી રીવા હોય કે રેવા. પણ ના અહીં એવુ નથી. અહીં તો એ જોવાય કે ઓહો…ક્રિકેટરની પત્ની સાથે આવો વર્તાવ અને તે પણ જાડેજા..? નો ચોલબે. ના ચાલે. ભરો પગલા. પેલો પોલીસ વાળો તો લટ્ક્યો જ સમજો. રીવાબાને ન્યાય મળે અને મળ્યું સારી વાત પણ પાટીદાર મહિલાની વાત છોડો, કોઇ પાથરણાંવાળી સામાન્ય મહિલા સાથે પોલીસ લાત મારે ,ગાળો આપે આવું વર્તન કરે તો (ઘેરા અવાજમાં) : મહિલાઓ સાથે સન્માનપૂર્વક વર્તે પોલીસ….એવા શબ્દો સંભળાશે…? શું વાત કરો છો..? પહેલા તો એ કે એમાં ટીવીવાળાને, માધ્યમોને રસ જ ના પડે. કોને મારી… પેલી ફૂટપાથ પર બેસનારને…એ તો છે જ એ લાગના. છોડોને. કોણ જાય ત્યાં કેમેરો લઇને. પત્યું. અને કોઇ સારા ઘરની(આમ તો બધા સારા ઘરના જ હોય છે કોઇના ઘર ખરાબ હોતા નથી આ તો જાણ સારૂ…) મહિલાને લો ગાર્ડન ખરીદી કરતી વખતે પોલીસે ખોટી રીતે કાર પાર્ક કરતી વખતે ધમકાવી હોત તો…? તો તો પછી બધાને મેસેજ પહોંચે. ચલ મજા આવશે રિપોર્ટીંગમાં લો ગાર્ડન ખાતે બનાવ બન્યો છે બે….!!
આ દેખીતો ભેદ અને તેની પાછળ રહેલો ભેદભાવ વાળો ભાવ કોઇ કહે કે બતાવે તો તરત જ ગુસ્સો આવે. પણ વાત મુદ્દાની નથી..? આ લખનાર પાટીદાર નથી. આ લખનારની કોઇ જાતિ નથી. કેમ કે પત્રકારની એક જ જાતિ હોય છે અને તે હોય છે પત્રકાર..કોઇને અરિસો બતાવી ને કહો કે જો તારૂ મોઢુ તો જો.. તો પેલો અરિસો જ તોડી નાંખે. પણ અરિસો તોડવાથી મોઢુ તો ગંદુ જ રહેશે. મહિલા-મહિલા વચ્ચે ભેદભાવ એ ગુજરાતમાં છે કે જ્યાં કસ્તૂરબા, અનસૂયાબેન જેવા પ્રખર મહિલાઓએ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. ખરેખર જો રિવાબા સજ્જન સન્નારી હોય અને બીજી મહિલાઓ પ્રત્યે માન-સન્માન હોય તો કહેવું જોઇએ કે જેમ મને ત્વરીત ન્યાય મળ્યો તેમ પાટીદાર મહિલાઓ અને કોઇ પાથરણાંવાળી કે શાકવાળી મહિલાઓને પણ ત્વરીત ન્યાય મળવો જોઇએ. બેનશ્રી રિવાબા તમે બોલશો ને…? તમને જામસાહેબના સમ…!

શેર કરવા અહીં ક્લિક કરો.