જામનગરઃ જામનગર નજીકના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર શખ્સને પંચકોશી બી ડીવીઝને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે. સીસીટીવીમાં કેદ થયેલ શખ્સની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર શખ્સ સાથે જ્યારે પોલીસે વાત કરી તો તેમને મળેલી જાણકારી તેમનું મન હચમચાવી દે તેવી હતી. જામનગર નજીકના લાલપુર રોડ પર આવેલા જીઆઇડીસી વિસ્તારમાં રાજહંસ સર્કલ પાસે કેનેરા બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કરાયો હતો. ગત તા. 10 મીના રોજ રાત્રીના સાડા ચારેક વાગ્યાના સુમારે આરોપીએ એટીએમમાં ઘુસી ડીસમીસ જેવા હથિયારો વડે તોડવાનો પ્રયાસ કરી ચોરી કરવાની કોશીશ કરી હતી પરંતુ એટીએમ નહીં ખુલતા બ્લુ ટી શર્ટ અને કાળા કલરનું લોવર પહેરેલ શખ્સ એટીએમમાંથી પરત ચાલ્યો ગયો હતો. આ સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેને લઇને બેંકના મેનેજર શરદકુમાર શુકલાએ પંચકોશી બી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.જેમાં અત્રેના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતો અને દરેડ ગામે પાણીની ટાંકી પાસે રહેતો મુળ બિહાર રાજ્યના મંદુરા ગામનો ઓમ પ્રકાશ રાજેશવરરામ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને પોલીસે આ શખ્સને આંતરી લીધો હતો. પરપ્રાંતિય શ્રમિક યુવાને ઉપરોકત ચોરીના પ્રયાસની કબુલાત કરી હતી. પોતાની બીમાર માતાની સારવારના ખર્ચ પેટે પોતાની પાસે રૂપિયા ન હોવાના કારણે આ ચોરીનો પ્રયાસ કર્યો હોવાની આરોપીએ કબુલાત આપી હતી.

બીજા સાથે સમાચાર શેર કરો.