જગાણા પાટીયા પાસે બાઇક- ટ્રેક્ટર વચ્ચે અકસ્માત : યુવકનું ઘટના સ્થળે જ મોત 

શેર કરવા અહીં ક્લિક કરો.
એદરાણા ગામના આશાસ્પદ યુવકના મોતથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી 
પાલનપુર તાલુકાના જગાણા ગામના પાટીયા પાસે આજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એદરાણા ગામના આશાસ્પદ બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું. અકસ્માતના આ બનાવ બાદ યુવકના મૃતદેહને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં માટે ખસેડવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન હળવું બનતા અને રસ્તા પર વાહનો દોડવા લાગતા અકસ્માતોની પણ વણથંભી વણજાર મંડાણી છે. જેમાં આજે પાલનપુર તાલુકાના જગાણા ગામના પાટીયા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એદરાણા ગામના આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સુરતમાં ડાયમંડનું કામ કરતા અને લોકડાઉન કારણે હાલમાં વતન ખાતે આવેલા મંગાભાઇ રાજાભાઇ રાવળ નામનો યુવાન પોતાનું બાઇક લઇ પાલનપુર તાલુકાના જગાણા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો તે વખતે ટ્રેક્ટર સાથે ધડાકાભેર ટક્કર થતા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ યુવકના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પી.અેમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પાલનપુર તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે. આમ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન હળવું બન્યા બાદ રસ્તા પર વાહનોની અવર જવર વધતાં અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. તેમાં આજે પાલનપુરના જગાણા ગામના પાટિયા પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં આશાસ્પદ યુવકના મોતથી તેના પરિવારજનોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.