ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ નક્કી થઈ ગયું હોવાનું પક્ષના આંતરિક સૂત્રોએ જણાવ્યું છે. ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ટર્મ પુરી થઈ ગઈ હોવાથી ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી નવા પ્રદેશ પ્રમુખ માટેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક મનાતા અને ઉત્તર ગુજરાત ભાજપના આગેવાન એવા હરિભાઈ ચૌધરીનું નામ લગભગ નક્કી થઈ ચૂક્યું છે.
       ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ગોરધન ઝડફીયા, મનસુખ માંડવિયા સહિતના કેટલાક નેતાઓના નામો ચર્ચામાં હતા. પરંતુ ભાજપ હાઈ કમાન્ડે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના મુદ્દે અલગ જ રણનીતિ અપનાવીને હવે નવા પ્રમુખ ઉત્તર ગુજરાતમાંથી બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં હરિભાઈ ચૌધરીનું નામ મોખરે રહ્યું છે. અત્યાર સુધી ભાજપના મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના અને પ્રદેશ પ્રમુખ પણ સૌરાષ્ટ્રના હોવાથી ઉત્તર ગુજરાતને અન્યાય થતો હોવાની પક્ષમાં ચર્ચા ચાલી હતી.
       હરિભાઇ વર્ષ ૧૯૮૯-૯૦માં ભાજપમાં સક્રીય બન્યા અને વર્ષ ૧૯૯૮માં પ્રથમ લોકસભા ચૂંટણી લડ્યા હતા. તેમણે છ લોકસભા ચૂંટણીઓ(૧૯૯૮,૧૯૯૯, ૨૦૧૩(પેટા ચૂંટણી) અને ૨૦૧૪) પૈકી ચાર ચૂંટણી જીતી હતી. તેઓ સરકારી, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે મોભાનું સ્થાન ધરાવે છે. જ્યારે પક્ષના સંગઠનમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષપદે પણ બે વખત કામગીરી બજાવી ચૂક્યા છે. વિવિધ ચૂંટણીઓમાં પાટણ, કચ્છ, સાબરકાંઠામાં પણ પક્ષને રાજકીય ક્ષેત્રે નોંધપાત્ર દેખાવ કરવામાં સફળ રહ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી હરિભાઈ ચૌધરીની જગ્યાએ ગુજરાતના પૂર્વ મંત્રી પરબતભાઈ પટેલને ટિકિટ આપી હતી.

બીજા સાથે સમાચાર શેર કરો.