કડીના વેપારીને ત્રણ ઇસમોએ બનાવટી સોનું પધરાવી ર૧ લાખ છેતરપિંડી

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણાના કડી શહેરના વેપારીને ત્રણ ઇસમોએ સોનાની ગીની આપી રોકડ રકમ આપવા માંગ કરી હતી. જેમાં પ્રથમ તબકકે ર ગીની આપી વિશ્વાસ કેળવ્યો હતો. આ પછી કાપડની થેલીમાં એક સાથે ત્રણ કિલો જેટલી સોનાના ધાતુ જેવી ગીની આપી રૂ. ર૧ લાખ લઇ ફરાર થઇ ગયા હતા. વેપારીને બનાવટી સોનુ પધરાવી ગયાની પાછળથી જાણ થતા પગ તળે જમીન ખસી ગઇ હતી. સમગ્ર મામલે વેપારીએ ર પુરૂષ અને ‌૧ મહિલા વિરૂધ્ધ વિશ્વાસધાત અને છેતરપિંડીની ફરીયાદ કડી પોલીસ સ્ટેશને આપતા ખળભળાટ મચી ગયો છે.

કડીના વેપારી જીગર પટેલ સાથે સગનારામ ઉર્ફે દેવજીભાઇ મિસ્ત્રી (રહે.રાજસ્થાન),રાજુભાઇ તેમજ અન્ય એક સ્ત્રી સહિતનાએ ઘરોબો કેળવ્યો હતો. આ પછી પુર્વ આયોજીત કાવતરૂ રચી પ્રથમ તબકકે સોનાની બે ગીની આપી બદલામાં રોકડ રકમ વેપારી પાસેથી લીધી હતી. જેમાં બીજી વખત એક સાથે કાપડની થેલીમાં ત્રણ કિલો જેટલા વજનની સોના જેવી લાગતી પીળી ધાતુની ગીની આપી વધુ રૂ.ર૧ લાખ લઇ ગયા હતા. વેપારીને પાછળથી બનાવટી સોનુ પધરાવી ગયાની જાણ થતા ધ્રાસકો લાગ્યો હતો. આથી વેપારીએ ત્રણેય ઇસમો વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની કડી પોલીસ મથકે ફરીયાદ આપી છે. પોલીસે ફરીયાદને પગલે આરોપી ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.