રાજ્યભરમાં એસટી કર્મચારીઓ હડતાળ પર ઉતરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે

ખાનગી વાહન ચાલકોએ એસટી કર્મચારીઓની હડતાળનો ગેરલાભ લઈ લોકો પાસેથી ઉંઘાડી લૂંટ કરવાની શરૂઆત કરતા મુસાફરોની મુશ્કેલી હજી વધી છે

રાજ્યભરમાં એસટી કર્મચારીઓ હડતાળ પર ઉતરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ખાનગી વાહન ચાલકોએ એસટી કર્મચારીઓની હડતાળનો ગેરલાભ લઈ લોકો પાસેથી ઉંઘાડી લૂંટ કરવાની શરૂઆત કરતા મુસાફરોની મુશ્કેલી હજી વધી છે.

એસટી બસો બંધ હોવાના કારણે મુસાફરો ખાનગી વાહનોમાં બેસી પ્રવાસ કરી રહ્યા છે. એક તરફ રેલવેમાં પણ ભીડ વધતા ટ્રેનોમાં જગ્યા માટે પડાપડી થઈ રહી છે. તો બીજી તરફ અનેક લોકો ખાનગી વાહનો તરફ વળ્યા છે. પરંતુ ખાનગી વાહનચાલકો મુસાફરોની આ મજબૂરીનો લાભ લઈને તેમને લૂંટી રહ્યા છે. મુસાફરો પાસેથી આજે બમણું ભાડુ વસૂલાઈ રહ્યું છે.

વડોદરાથી અમદાવાદ જતા મુસાફરો વડોદરાના અમિત નગર સર્કલ, સમા તળાવ પાસેથી ખાનગી વાનમાં બેસીને જઈ રહ્યા છે. આજે એસટી બસો બંધ હોવાથી મુસાફરોની સંખ્યામાં એકાએક વધારો થયો છે. જેના કારણે વાનચાલકો મુસાફરો પાસે રીતસરની ઉંઘાડી લૂંટ કરી રહ્યા છે. વાન ચાલકો મુસાફરો પાસે વડોદરાથી અમદાવાદના 100થી 150 રૂપિયા વસૂલી રહ્યા છે. એટલું જ નહી જે મુસાફર વધુ રૂપિયા આપવા તૈયાર ન હોય તેવા લોકોને વાનમાં બેસાડી જ નથી રહ્યા, જેથી મુસાફરોની હાલત વધુ કફોડી બની છે. આમ વાનચાલકો રીતસરની દાદાગીરી કરી રહ્યાં છે. વાન ચાલક કે ખાનગી વાહનો સામાન્ય દિવસોમાં મુસાફરો પાસેથી 80 રૂપિયા ભાડું લે છે. પરંતુ આજે ભાડામાં અધધ વધારો કરતા મુસાફરોને બેવડો માર પડી રહ્યો છે. તેમ છતાં તંત્ર આંખે પાટા બાંધ્યા હોય તેમ ખાનગી વાન ચાલકો સામે કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યું.

બીજા સાથે સમાચાર શેર કરો.