એક શામ શહીદો કે નામ પર વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતો લોક ડાયરો :થરાદ તાલુકાના કમાળી ગામમાં

શેર કરવા અહીં ક્લિક કરો.

થરાદ તાલુકાના કમાળી ગામમાં સમસ્ત કમાળી ગામ તથા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ, બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે એક શામ શહીદો કે નામ પર વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતો લોક ડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં સાહિત્ય કલાકાર તરીકે ઓળખાતા દશરથદાન ગઢવી, દાનાભાઈ પુરોહિત, ઈશ્વરદાન ગઢવી તથા ભજનિક મંજુલીકા કાપડી દ્વારા ડાયરાની રંગત જમાવી તમામ શ્રોતાઓનું મનોરંજનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ડાયરાની રમઝટ શરૂ કરતાં પહેલાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચના કાર્યકર્તાઓ તથા સંત જાનકીદાસ બાપુ અને આનંદદાસ બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ડાયરાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ડાયરીમાં સાહિત્ય કલાકારોએ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, દીકરી ઘર છોડીને સાસરે જાય છે તેવી રીતે ભારત માતાની રક્ષા કરતા વીર જવાનો તો પોતાના માતા-પિતાને તથા બહેનને આપણા ભરોશે છોડી દેશની રક્ષા કરવા નીકળી જાય છે. તથા વધુ સાહિત્ય પર વાત કરતા કહ્યુ હતું કે જવાનો દેશની રક્ષા કરવી એ પોતાની ફરજ સમજીને ખડે પગે રહે છે. તો આપણી પણ તેમના માતા પિતા અને બહેનની સંભાળ રાખવી એ આપણી નૈતિક ફરજ છે તેવું જણાવ્યું હતું.

રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા કમાળી ગામના વીર જવાન કૈલાશનાથ ગોસ્વામીનું શિલ્ડ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. અને અનેક લોકો દ્વારા પુલવામાં થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને માટે ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરાને સફળ બનાવવામાં કમાળી ગામના ગ્રામજનો તથા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અને તમામ સ્વયંસેવકોનું આગવું યોગદાન રહ્યું હતું. લોક ડાયરામાં અંદાજે એક હજારની બહોળી સંખ્યામાં હાજર રહી લોકોએ શ્રધ્ધાંજલિ અર્પી મનોરંજનની મોજ માણી હતી. આ ડાયરામાં કમાળી,ભલાસરા, ભુરીયા, લખાપુરા, છનાસરા, દીદરડા,ચાંગડા, વળાદર, દાંતીયા સહિતના અનેક શ્રોતાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.આ લોક ડાયરામાં કલાકારો,સંતગણ અને રાષ્ટ્ર શક્તિ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ,સંયોજક ઉપેન્દ્ર શાહ,બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ઘેવરદાસ સાધુ, ઉપપ્રમુખ રમેશભાઈ ચૌધરી,દેશની રક્ષા કરતા જવાન એવા કૈલાશનાથ ગોસ્વામી સહિત આયોજકો અને તમામ ગામોમાંથી ઉમટી પડેલ શ્રોતાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.