અમદાવાદ : અમદાવાદના નરોડામાં ગઈકાલે રાત્રે એક વેપારી પાસેથી ફોન અને રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ રહેલા 3 લબર મુછીયાઓને પોલીસે ઝડપી પડ્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ 18 વર્ષના છે.

નરોડા ખાતે રહેતા એક વેપારી વિવેકાનંદ ગઈકાલે રાત્રે 9.30 વાગ્યાના અરસામાં મેડિકલ સ્ટોર પરથી દવા લઇ પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે એક બાઈક પર ત્રણ લોકો આવી તેમના પાસેથી એક મોબાઈલ ફોન અને ૩હજાર રૂપિયા લૂંટી ફરાર થઇ રહ્યા હતા. ત્યારે વિવેકાનંદએ તેમના પકડવાનો પ્રયાસ કર્યો હતો અને બૂમો પાડી હતી. તેમની બૂમો અને ઝપાઝપી જોઈ આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા અને લૂંટ કરવા આવેલા યુવકોને પકડી પાડ્યા હતા. આ યુવકોનું નામ કેયુર રાઠોડ, દીપક ઠાકોર અને દિલીપ પરમાર હોવાનું ખૂલ્યું હતું. જેઓ નરોડાના જ રહેવાસી હતી. લોકોએ આ યુવકોને બરાબરનો મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.